શનિ ગ્રહની ‘સાડાસાતી’ અર્થાત આધ્‍યાત્‍મિક જીવનને વેગ આપનારી પર્વણી !

Article also available in :

‘શનિ ગ્રહની ‘સાડાસાતી’ કહીએ એટલે સામાન્‍યરીતે આપણને બીક લાગે છે. ‘મારો ખરાબ સમય ચાલુ થશે, સંકટોની હારમાળા ચાલુ થશે’, ઇત્‍યાદિ વિચાર મનમાં આવે છે; પરંતુ સાડાસાતી સર્વથા અનિષ્‍ટ હોતી નથી. આ લેખ દ્વારા ‘સાડાસાતી એટલે શું અને સાડાસાતી હોય ત્‍યારે આપણને કયા લાભ મળી શકે છે’, આ વિશે જાણી લઈએ.

 

૧. સાડાસાતી એટલે શું ?

સાડાસાતી એટલે સાડાસાત વર્ષોનો કાલખંડ. ૩ રાશિઓમાંથી ભ્રમણ કરવા માટે શનિ ગ્રહને લગભગ સાડાસાત વર્ષો લાગે છે. ‘વ્‍યક્તિની જન્‍મરાશિ, જન્‍મરાશિના પાછળની રાશિ અને જન્‍મરાશિની આગળની રાશિ’ આ રીતે ૩ રાશિઓમાંથી શનિ ગ્રહનું ભ્રમણ થતું હોય, ત્‍યારે વ્‍યક્તિને સાડાસાતી હોય છે. આ પ્રકારની રાશિ અનુસાર ગણના સ્‍થૂળ રૂપથી પ્રચલિત છે. આ વિશે સૂક્ષ્મ પદ્ધતિ એવી કે, વ્‍યક્તિની જન્‍મરાશિમાં ચંદ્ર જે અંશ પર હોય છે, તેની પાછળ ૪૫ અંશ પર શનિ ગ્રહ આવ્‍યા પછી સાડાસાતીનો આરંભ થાય છે અને તેની પછી ૪૫ અંશ પર શનિ ગ્રહ ગયા પછી સાડાસાતી પૂર્ણ થાય છે. શનિ ગ્રહ પૂર્ણ રાશિચક્ર લગભગ ૩૦ વર્ષોમાં ભ્રમણ કરે છે. તેથી વ્‍યક્તિના જીવનમાં એકવાર સાડાસાતી આવી ગયા પછી તે પાછી લગભગ ૩૦ વર્ષો પછી આવે છે.

શ્રી. રાજ કર્વે

 

૨. સાડાસાતી હોય, ત્‍યારે કેવા પ્રકારના ત્રાસ થાય છે ?

શનિ ગ્રહ વાયુતત્ત્વ સાથે સંબંધિત ગ્રહ છે. વિકાર, વિયોગ, વિલંબ, વ્‍યય ઇત્‍યાદિ વાયુતત્ત્વના અનિષ્‍ટ પરિણામો છે. તેથી શનિ ગ્રહ સાંસારિક જીવનને બાધક પુરવાર થાય છે. સાડાસાતી હોય, ત્‍યારે સામાન્‍ય રીતે શારીરિક વ્‍યાધિ, આર્થિક હાનિ અને કૌટુંબિક કલહ જેવા દુષ્‍પરિણામો ભોગવવા પડે છે. સાડાસાતીનું સર્વાધિક પરિણામ મન પર થાય છે. ‘ઇચ્‍છાપૂર્તિ ન થવી અને ઇચ્‍છાની વિરુદ્ધમાં ઘટનાઓ થવી’ આ પરિણામોનો અનુભવ થાય છે.

 

૩. શું સાડાસાતી હંમેશાં અશુભ ફળ આપે છે ?

પ્રત્‍યેક વ્‍યક્તિની જન્‍મકુંડળીમાંની ગ્રહસ્‍થિતિ અનુસાર સાડાસાતીના પરિણામોનું સ્‍વરૂપ ભિન્‍ન હોય છે. કેટલીક વ્યક્તિઓને સાડાસાતીમાં ખાસ કોઈ ત્રાસ થતો નથી, જ્‍યારે કેટલાક માટે સાડાસાતીનો સમય સારો જાય છે. વર્તમાનમાં શનિ ગ્રહ મૂળ જન્‍મકુંડળીના અશુભ સ્‍થાન પરથી અથવા અશુભ ગ્રહો પરથી ભ્રમણ કરતો હોય, તો ત્રાસ વધારે થાય છે. આનાથી ઊલટું જો શનિ ગ્રહ શુભ સ્‍થાનો પરથી અને અન્‍ય ગ્રહોના શુભ યોગ પરથી પસાર થતો હોય, તો ત્રાસ ઓછો થાય છે. તેથી સાડાસાતી સર્વથા અનિષ્‍ટ અને હાનિકારક હોતી નથી.

 

૪. સાડાસાતી હોય, ત્‍યારે વ્‍યક્તિને થનારા લાભ

શનિ ગ્રહ સાંસારિક જીવનમાં ભલે બાધક હોય, તો પણ આધ્‍યાત્‍મિક જીવનને વેગ આપનારો છે. ચિંતનશીલ સ્‍વભાવ, સંયમ, સમાધાન, વિવેક, વૈરાગ્‍ય ઇત્‍યાદિ શનિ ગ્રહના શુભ ગુણ છે. સાડાસાતીના સમયગાળામાં વ્યક્તિને આ ગુણો વધારવા માટે અવકાશ મળે છે. માનવી મન નિરંતર માયા ભણી દોડતું હોય છે. મનની ઇચ્‍છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ ઉત્તરોત્તર વધતી જ જતી હોય છે. સાંસારિક જીવન સમૃદ્ધ કરવાની દોડધામમાં ‘આધ્‍યાત્‍મિક જીવન પણ સમૃદ્ધ કરવું આવશ્‍યક છે’, તે આપણે ભૂલી જઈએ છીએ. સાડાસાતી આનું જ સ્‍મરણ કરાવી આપનારો કાળ છે. સંકટકાળમાં કેવળ ઈશ્‍વર જ સહાયતા કરે છે. સાડાસાતી વ્‍યક્તિને અંતર્મુખ બનાવે છે. માયાની અશાશ્‍વતતા વ્‍યક્તિને સમજાઈને તેના જીવનમાં અધ્‍યાત્‍મને સ્‍થાન મળે છે. તેથી સાડાસાતી ભણી સકારાત્‍મક દૃષ્‍ટિએ જોવું આવશ્‍યક છે.

 

૫. સાડાસાતીનો ત્રાસ કોને થતો નથી ?

આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ સાધ્‍ય કરેલા સાધકને સાડાસાતીનો માનસિક ત્રાસ થતો નથી. આવા સાધકનો ‘મનોલય’ થયેલો હોય છે, અર્થાત્ મન સાધનામાં સ્‍થિર થયેલું હોય છે. તેથી સાડાસાતીના કાળમાં, તેમજ અમસ્‍તા પણ થનારા સુખ-દુઃખોના પ્રસંગો ભણી સાધક તટસ્‍થતાથી જુએ છે. પ્રારબ્‍ધમાં જે લખેલું છે, તે ટાળવું આપણા હાથમાં નથી; પણ પ્રારબ્‍ધને કારણે થનારો માનસિક ત્રાસ ટાળવો આપણા હાથમાં છે.

 

૬. સાડાસાતીના સમયગાળામાં લેવાની કાળજી

૬ અ. કુટુંબીઓ દ્વારા અપેક્ષા કરવાને બદલે કુટુંબીઓને પોતે થઈને સહાયતા કરવાનો પ્રયત્ન કરવો. અપેક્ષા કરવાથી તણાવ નિર્માણ થાય છે, જ્‍યારે સહાયતા કરવાથી સુસંવાદ સાધ્‍ય થઈ શકે છે.

૬ આ. આર્થિક નિર્ણય ભાવનિક અથવા ઉતાવળે લેવાને બદલે વિચારપૂર્વક લેવા. અનાવશ્‍યક વ્‍યય (ખર્ચો) ટાળવો.

૬ ઇ. શરીર નિરોગી રહેવા માટે આયુર્વેદ અનુસાર આચરણ કરવાનો પ્રયત્ન કરવો.

(વધુ જાણકારી માટે વાંચો સનાતનનો હિંદી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ ગ્રંથ : ‘આયુર્વેદ અનુસાર આચરણ કરીને ઔષધિઓ વિના નિરોગી રહો !’)

૬ ઈ. પ્રારબ્‍ધ સુસહ્ય થવા માટે ‘કુળદેવી’ અને ‘દત્ત’ આ દેવતાઓનો નામજપ પ્રતિદિન કરવો.

(વધુ જાણકારી માટે વાંચો સનાતનનો હિંદી ભાષામાં ઉપલબ્ધ ગ્રંથ : ‘નામજપ કયો કરવો ?’)’

– શ્રી. રાજ કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા.

Leave a Comment