‘રામથી મોટું રામનું નામ’ આ વચન સાર્થક કરનારા ભક્ત શિરોમણિ હનુમાન !

Article also available in :

અનુક્રમણિકા

 

૧. પ્રભુ શ્રીરામે હનુમાનને વરદાન આપવું

‘એક વાર હનુમાનજીની અમર્યાદ ભક્તિ જોઈને પ્રભુ શ્રીરામે હનુમાનને વર માગવાં માટે કહ્યું. ‘જે કોઈ પ્રભુ શ્રીરામનું સ્‍મરણ કરશે, તેનું રક્ષણ હનુમાન કરશે અને તે વ્‍યક્તિનું કોઈપણ અહિત કરી શકશે નહીં’ એવો વર હનુમાને માગ્‍યો. પ્રભુ શ્રીરામે ‘તથાસ્‍તુ’ કહ્યું.

 

૨. પ્રભુ શ્રીરામને મળવા માટે
નીકળેલા મહર્ષિ વિશ્‍વામિત્ર અને કાશી
નરેશ સૌભદ્રનો શિવમંદિરમાં મેળાપ થવો

ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામ અયોધ્‍યામાં રાજ કરી રહ્યા હતા. ત્‍યારે કાશીનરેશ સૌભદ્નના મનમાં પ્રભુ શ્રીરામને મળવા માટે ઇચ્‍છા જાગૃત થઈ. તેજ વેળાએ મહર્ષિ વિશ્‍વામિત્રના મનમાં પણ પ્રભુ શ્રીરામને મળવાની ઇચ્‍છા નિર્માણ થઈ. તેઓ બન્‍ને અયોધ્‍યાની દિશામાં જવા માટે નીકળ્યા. રસ્‍તામાં એક શિવમંદિરમાં બન્‍નેનો મેળાપ થયો. વિશ્‍વામિત્રના શિષ્‍યો શિવમંદિરમાં વિશ્‍વામિત્રનો જયજયકાર કરી રહ્યા હતા. રાજા સૌભદ્રને એમ લાગ્‍યું કે ‘શિવ-મંદિરમાં કેવળ ભગવાન શિવનો જ જયજયકાર થવો જોઈએ, અન્‍ય કોઈનો નહીં. અન્‍યથા શિવજીનું અપમાન થાય છે.’ તેમણે વિશ્‍વામિત્રના જયજયકારનો વિરોધ કર્યો. આથી મહર્ષિ તેમના પર કોપાયમાન થઈ ગયા અને બન્‍ને વચ્‍ચે વાદ-વિવાદ થયો.

 

૩. મહર્ષિ વિશ્‍વામિત્ર અને સૌભદ્ર
રાજા વચ્‍ચેના વિવાદનો નિર્ણય બીજા દિવસે
ન્‍યાયસભામાં થશે, એવું પ્રભુ શ્રીરામ દ્વારા ઘોષિત કરવું

બન્‍ને જ્‍યારે અયોધ્‍યા પહોંચ્‍યા, ત્‍યારે તેઓને એકજ સમયે પ્રભુ શ્રીરામના દર્શન થયા. મહર્ષિ વિશ્‍વામિત્રએ પ્રભુ શ્રીરામને કાશીનરેશને કઠોર શિક્ષા કરવાની આજ્ઞા કરી. પ્રભુ શ્રીરામે બીજા દિવસે ન્‍યાયસભામાં સદર પ્રસંગ અંગે ન્‍યાય કરવાની ઘોષણા કરી.

 

૪. સૌભદ્ર રાજા હનુમાનજીનાં માતા
અંજનીદેવીના શરણે ગયા અને માતાએ
સૌભદ્રનું રક્ષણ કરવાનું દાયિત્‍વ હનુમાનને સોંપવું.

‘પ્રભુ શ્રીરામ મહર્ષિ વિશ્‍વામિત્રના કહેવાથી મને કઠોર શિક્ષા આપશે’ એવા વિચારથી સૌભદ્ર ભયભીત થઈ ગયા. એટલામાંજ ત્‍યાં નારદઋષિ પ્રગટ થયા અને તેમણે રાજા સૌભદ્રને હનુમાનજીનાં માતા અંજનીદેવીના શરણે જવા માટે કહ્યું. નારદઋષિના કહેવાથી સૌભદ્ર સુમેરુ ગયા અને માતા અંજનીદેવીનાં ચરણ પકડી લીધાં. અંજનીમાતાએ તેની સ્‍થિતિ જાણીને તેનું રક્ષણ કરવાનું તેને વચન આપ્‍યું. તેમણે હનુમાનને કાશીનરેશનું રક્ષણ કરવાનું દાયિત્‍વ સોંપ્‍યું’. હનુમાને તે સ્‍વીકાર્યું અને બીજા દિવસે સૌભદ્રને સાથે લઈને તેઓ પવન વેગે અયોધ્‍યા પહોંચ્‍યા. તેમણે રાજા સૌભદ્રને નિર્ભય બનીને સરયૂ નદીના કાંઠે અખંડ રામનામનું સ્‍મરણ કરતા રહેવા માટે કહ્યું.

 

૫. પ્રભુ શ્રીરામ દ્વારા સૂર્યાસ્‍ત થવાના
અગાઉ સૌભદ્રનો વધ કરવાની પ્રતિજ્ઞા લેવી

સૌભદ્ર રાજાના અચાનક ભાગી જવાના સમાચાર બીજા દિવસે વિશ્‍વામિત્રએ જાણ્‍યા તો તેઓ અધિક કોપાયમાન થયા. તેમણે શ્રીરામને સૌભદ્રનો વધ કરવાની આજ્ઞા કરી. તે અનુસાર પ્રભુ શ્રીરામે સૂર્યાસ્‍ત થવાના પહેલાં જ સૌભદ્રનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી. પ્રભુ શ્રીરામના સૈનિકો સૌભદ્રની સર્વત્ર શોધખોળ કરી રહ્યા હતા. તેમણે જોયું કે તેઓ  સરયૂ નદીના કાંઠે હનુમાન સમેત રામનામમાં મગ્‍ન છે. તેઓએ તે અંગેની સૂચના મહર્ષિ વિશ્‍વામિત્ર તથા શ્રીરામને આપી.

 

૬. પ્રભુ શ્રીરામનું ધર્મસંકટમાં મૂકાવું

મહર્ષિ વિશ્‍વામિત્રની સાથે પ્રભુ શ્રીરામ ધનુષ્‍ય-બાણ લઈને સરયૂ નદીના કાંઠે આવ્‍યા અને જોયું તો હનુમાન આગળ બેઠા છે અને તેમની પાછળ સૌભદ્ર રાજા બેઠા છે. બન્‍ને જણાં રામનામનો અખંડ જપ કરી રહ્યા છે. પ્રભુ શ્રીરામે હનુમાનને એક બાજૂ ખસી જવા માટે કહ્યું ત્‍યારે હનુમાને શ્રીરામને તેમણે અગાઉ આપેલા વચનનું સ્‍મરણ કરાવ્‍યું. મહર્ષિ વિશ્‍વામિત્રએ સૌભદ્ર પર બાણ ચલાવવા માટે આગ્રહ કર્યો. પ્રભુ શ્રીરામને એ સમજાયું નહીં કે ‘હનુમાનને આપેલું વચન પાળવું કે વિશ્વામિત્રના કહેવા પ્રમાણે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવી ?’

 

૭. પ્રભુ શ્રીરામ દ્વારા સૌભદ્ર પર બાણ ચલાવવું;
પણ હનુમાનની કૃપાથી સૌભદ્રને બાણ જ ન લાગવો

અંતે ગુરુસ્‍થાને રહેલા મહર્ષિ વિશ્‍વામિત્રની આજ્ઞાને વશ થઈને પ્રભુ શ્રીરામે સૌભદ્ર પર બાણ છોડયા. હનુમાનની કૃપાથી સૌભદ્રની ફરતે સંરક્ષક કવચ નિર્માણ થઈ ગયું હતું. તેથી પ્રભુ શ્રીરામ દ્વારા છોડેલાં બાણ સૌભદ્રને વાગતા નહોતાં. પ્રભુ શ્રીરામે અનેક બાણ ચલાવ્‍યા પરંતુ એકપણ બાણ સૌભદ્રને વાગતો જ નહોતો. ‘રામબાણ નિષ્‍ફળ થઈ રહ્યા છે,’ એ જોઈને મહર્ષિ વિશ્‍વામિત્ર ચોંકી ઊઠ્યા. તેમણે અંતર્મુખ થઈને વિચાર કર્યો અને ત્‍યારે તેમના ધ્‍યાનમાં આવ્‍યું કે ભગવાનને પોતાનાથી અધિક ભક્તને આપેલું વરદાન પૂર્ણ થવું અધિક મહત્ત્વનું લાગે છે. તેથી તેમણે શ્રીરામને પોતાની પ્રતિજ્ઞા પાછી લઈ લેવા માટે કહ્યું. હનુમાને કાશીનરેશ સૌભદ્રને મહર્ષિ વિશ્‍વામિત્રનાં ચરણ પકડીને ક્ષમા માગવા માટે કહ્યું. તે પ્રમાણે સૌભદ્રએ મહર્ષિ વિશ્‍વામિત્રની ક્ષમા માગી અને વિશ્‍વામિત્રએ તેમને ક્ષમા કરી.

 

૮. ભક્ત શિરોમણિ, હનુમાનના કારણે
‘રામથી મોટું રામનું નામ’ એ કહેવત સાર્થક થવી

આ રીતે હનુમાને પ્રભુ શ્રીરામને ધર્મસંકટમાંથી મુક્ત કર્યા અને સૌભદ્ર રાજાનું રક્ષણ પણ કર્યું. વરદાન અને પ્રતિજ્ઞાની લડાઈમાં વરદાનની જીત થઈ. જો કોઈ રામનામનો જપ કરે છે અને સાક્ષાત પ્રભુ શ્રીરામ પણ તેના પર બાણ છોડે તો પણ તેનું કોઈ અહિત થતું નથી, એ આ પ્રસંગ પરથી જ્ઞાત થાય છે. ભક્ત શિરોમણિ હનુમાને ‘રામથી મોટું રામનું નામ’ એ સાર્થક કર્યું.

– કુ. મધુરા ભોસલે, સનાતન આશ્રમ, રામનાથી ગોવા. (સંદર્ભ :‘જય હનુમાન’ શ્રૃંખલા)

Leave a Comment