હનુમાનજી તથા વાનરસેના

વાનરસેનાને કોઈ લોકો વાંદરાઓની સેના કહીને ઉપહાસ કરે છે. આજના આધુનિક માણસોને જોઈએ તો તે લોકો પશુઓથી પણ નીચ વર્તન કરે છે; પરંતુ પોતાને સર્વ શ્રેષ્‍ઠ માનીને અન્‍ય પ્રાણીઓને કનિષ્‍ઠ માને છે અને તેમની ઠેકડી ઉડાવે છે. રામાયણ તો ત્રેતાયુગમાં થયું. કળિયુગથી પહેલાંના યુગોની વર્તમાનકાળ સાથે તુલના કરવી જ અયોગ્‍ય છે. આ કારણસર સૌથી પહેલા તો આપણે સમજી લેવું જોઈએ કે હિંદુ ધર્મમાં કેવળ હનુમાનજી તથા વાનરસેનામાં જ પશુઓનો ઉલ્‍લેખ નહીં, પરંતુ આપણા ભગવાન શ્રી વિષ્‍ણુજીના દશાવતારમાં મત્‍સ્‍ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર ઇત્‍યાદિ અવતારોમાં સ્‍વયં ભગવાને પણ પશુયોનિમાં અવતાર લીધો છે. તેથી આ અવતારોના કારણે આપણે તેમને કનિષ્‍ઠ કહી શકીએ નહીં. દેવતા તત્વ ચરાચરમાં છે, આ હિંદુ ધર્મનું તત્વ છે.

વાનર શબ્‍દનો અર્થ છે, વનમાં ઉત્‍પન્‍ન થતું અન્‍ન ગ્રહણ કરનારા. જેમ પર્વત અર્થાત્ ગિરિમાં રહેનારા અને ત્‍યાનું અન્‍ન ગ્રહણ કરનારાને ગિરીજન કહે છે, તેવી જ રીતે વનમાં રહેનારાઓને વાનર કહે છે. શ્રીરામ અવતારમાં ભગવાનને વાનરોની બહુજ સહાયતા મળી હતી, તેથી પ્રથમ એ જાણવું આવશ્‍યક છે કે આ વાનર કોણ હતા ?

શ્રીમદ વાલ્‍મીકિ રામાયણના બાલકાંડના ૧૭મા સર્ગમાં લખ્‍યું છે

पुत्रत्वं तु गते विष्णौ राज्ञस्तस्य महात्मनः।

उवाच देवताः सर्वाः स्वयम्भूर्भगवानिदम् ॥

सत्यसन्धस्य वीरस्य सर्वेषां नो हितैषिणः ।

विष्णोः सहायान् बलिनः सृजध्वं कामरूपिणः॥

અર્થ :

ભગવાન વિષ્‍ણુ, મહારાજા દશરથના પુત્ર રામના રૂપમાં અવતરિત થયા પછી બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું, ‘‘તમે બધા ભગવાનની સહાયતા માટે પોતપોતાનાં તેજથી બળવાન ઇચ્‍છાધારી જીવો ઉત્‍પન્‍ન કરો.’’ ત્‍યારે બ્રહ્માજીની આજ્ઞાથી દેવતાઓએ પોતપોતાનાં તેજથી ગંધર્વી, યક્ષી, વિદ્યાધરી, વાનરી આદિ સ્‍ત્રીઓમાં વાનરરૂપધારી અનેક પુત્રોને ઉત્‍પન્‍ન કર્યા. ઇંદ્રએ વાલીને, સૂર્યએ સુગ્રીવને, કુબેરે ગંધમાદનને, વિશ્‍વકર્માએ નલ-નીલને, પવનદેવે શ્રી હનુમાન ઇત્‍યાદિને ઉત્‍પન્‍ન કર્યા. એનું કારણ એ કે રાવણને એવું વરદાન મું હતું કે તેનું મૃત્‍યુ દેવતાઓના હાથે નહીં થઈ શકે, કેવળ મનુષ્‍ય તથા વાનરોના હાથે જ થઈ શકશે. તે માટે શ્રીવિષ્‍ણુને નર અર્થાત્ મનુષ્‍યરૂપ તથા અન્‍ય દેવતાઓને વાનરરૂપ ધારણ કરવાં પડ્યાં હતાં. તે બધા વાનરો દૈવી ગુણોથી સંપન્‍ન ઇચ્‍છાધારી હતા. તેથી આવશ્‍યકતા અનુસાર રૂપ ધારણ કરી શકતા હતા.

શ્રીમદ્ વાલ્‍મીકિ રામાયણના સુંદરકાંડના બીજા ભાગમાં શ્રીહનુમાનજી માટે લખાયું છે: સૂર્યાસ્‍ત થયા પછી હનુમાનજીએ પોતાનું શરીર નાનું કરીને બિલાડીનું રૂપ ધારણ કર્યું અને આ અપૂર્વ રૂપમાં રાવણના અંતઃપુર માં ઘૂસી ગયા. આ બધા દેવતા સ્‍વરૂપ વાનરો, ઇચ્‍છાધારી હોવાનું પ્રમાણ છે.

સુંદરકાંડના જ એકપંચાશ્‍ચ: સર્ગમાં હનુમાનજીએ પોતે રાવણને કહ્યું છે : રાક્ષસોના રાજાધિરાજ ! હું ભગવાન શ્રી રામનો દાસ, તેમનો દૂત છું અને વિશેષ વાત તો એ છે કે હું વાનર છું.

 

 વાનરો જો વાંદરાઓ હતા તો આટલા બુદ્ધિશાળી કેમ હતા ?

પહેલા જ કહેવામાં આવ્‍યું છે કે શ્રીરામ અવતારકાર્યમાં સહાયતા કરવા માટે દેવો ના અંશથી વાનરોનો જન્‍મ થયો હતો. તેથી વાનરોનું સર્વગુણ સંપન્‍ન હોવું, સમસ્‍ત વેદોનું જ્ઞાન હોવું, સુસંસ્‍કૃત દેવભાષા બોલવી ઇત્‍યાદિ વિશે કોઈ સંદેહ હોવો જોઈએ નહીં.

આનાથી સિદ્ધ થાય છે કે શ્રીરામ અવતારની પૂર્ણતા તેમજ રાવણને પ્રાપ્‍ત વરદાનને કારણે જ બધા દેવોએ વાનર અર્થાત્ વાંદરા પ્રજાતિમાં જન્‍મ લીધો હતો.

શ્રીરામ અવતારીકાર્યની સમાપ્‍તિ અને તેમના નિજ ધામ પાછા ફર્યા પછી  શ્રીહનુમાનજી સિવાય આ બધા વાનરો શ્રીરામ સાથે વૈકુંઠ જતા રહ્યા.

 

હનુમાનજીનાં પાંચમુખોમાં નરસિંહ, વરાહ
ઇત્‍યાદિ ભગવાન વિષ્‍ણુના અવતારોનાં પણ મુખો છે, આનુ કારણ શું ?

પંચમુખી હનુમાનજી વિશે અન્‍ય એક પૌરાણિક કથા પણ છે કે એક ‘મરિયલ’ નામનો દાનવ ભગવાન વિષ્‍ણુનું સુદર્શન ચક્ર ચોરી જાય છે અને જ્‍યારે આ વાતની હનુમાનજીને જાણ થાય છે, ત્‍યારે તેઓ આ ચક્ર પાછું મેળવીને ભગવાન વિષ્‍ણુને આપવાનો સંકલ્‍પ કરે છે.

મરિયલ દાનવ ઇચ્‍છાનુસાર રૂપ પરિવર્તન કરવામાં કુશળ હતો, તેથી વિષ્‍ણુ ભગવાને હનુમાનજીને આશીર્વાદ આપવા સાથે જ ઇચ્‍છાનુસાર વાયુગમનની શક્તિ સાથે જ ગરૂડ-મુખ, ભય ઉત્‍પન્‍ન કરે એવું નરસિંહ મુખ, જ્ઞાન પ્રાપ્‍ત કરવા માટે હયગ્રીવ મુખ, તેમજ વરાહ મુખ સુખ અને સમૃદ્ધિ માટે પ્રદાન કર્યા. પાર્વતીજીએ તેમને કમળ પુષ્‍પ તેમજ યમ-ધર્મરાજે તેમને પાશ નામનું અસ્‍ત્ર પ્રદાન કર્યું. આ બધાની શક્તિઓ અને સૌનાં આશીર્વાદ સાથે હનુમાનજી મરીયલ પર વિજય પ્રાપ્‍ત કરવામાં સફળ થયા. ત્‍યારથી તેમનાં આ પંચમુખી સ્‍વરૂપને પણ માન્‍યતા પ્રાપ્‍ત થઈ.

વાસ્‍તવમાં આપણે એ શીખવાનું છે કે પ્રભુ શ્રીરામ, વિષ્‍ણુજીના અવતાર હતા અને હનુમાનજી રુદ્રાવતાર હતા. ભગવાન શ્રીરામે સ્‍વયં રામેશ્‍વરમાં શિવજીની પૂજા કરી હતી. આના દ્વારા આપણને એ શીખવા મળે છે કે ‘‘હરિ અને હર’’ ભિન્‍ન નથી, દેવતાઓમાં કાર્ય અનુસાર પ્રગટ શક્તિ હોય છે. અસુરોના વધ માટે તે અસુરને નષ્‍ટ કરવાની આવશ્‍યકતાઓ અનુસાર દેવતાઓના વિવિધ અવતાર થાય છે, ઉદાહરણ : હિરણ્‍યકશિપુ માટે નરસિંહ અવતાર, ભસ્‍માસુર માટે મોહિની અવતાર. તેજ પ્રમાણે અહિરાવણનો વધ કરવા માટે હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કર્યું હતું. તેથી આ રૂપમાં એક સાથે પાંચ અવતારોની શક્તિ સમાયેલી છે.

Leave a Comment