મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૧

Article also available in :

ઔષધી વનસ્‍પતિઓની સંખ્‍યા અગણિત છે. આવા સમયે કઈ વનસ્‍પતિઓ વાવવી ? એવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થઈ શકે છે. સદર લેખમાં કેટલીક મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ?, આ વિશે જાણકારી આપી છે. આ વનસ્‍પતિઓ વાવેતર કર્યા પછી લગભગ ૩ માસ પછી ઔષધી માટે ઉપયોગમાં લઈ શકાય એવી છે. વર્તમાનનો આપત્‍કાળ ધ્‍યાનમાં લેતાં વૃક્ષવર્ગીય વનસ્‍પતિઓનું વાવેતર કરવા કરતાં આવી વનસ્‍પતિઓને અગ્રક્રમ આપવાથી આપણને તે વનસ્‍પતિઓનો તરત જ ઉપયોગ થઈ શકે છે. ઔષધી વનસ્‍પતિઓના છોડ સહજ રીતે સર્વત્ર ઉપલબ્‍ધ થતા નથી. આ સમસ્‍યા પરની ઉપાયયોજના પણ સદર લેખ દ્વારા મળશે. વાચકો આ લેખમાં આપેલી વનસ્‍પતિઓ ઉપરાંત અન્‍ય વનસ્‍પતિઓ પણ વાવી શકે છે.

 

૧. તુલસી

૧ અ. મહત્વ

‘સર્વ પ્રકારના તાવમાં તુલસીનો ઉકાળો ઉપયુક્ત છે. તુલસીના બી ઠંડાં છે અને મૂત્રવિકારો પર સજ્‍જડ ઔષધ છે. તેથી ઘર ફરતે તુલસીનું વાવેતર બને તેટલું વધારે પ્રમાણમાં કરવું. આવવા-જવા માટેના રસ્‍તાના બન્‍ને છેડે તુલસીના છોડ વાવી શકાય છે. તેનાથી વાતાવરણ પ્રસન્‍ન રહે છે. કાળી તુલસી (કૃષ્‍ણ તુલસી) અથવા ધોળી તુલસી (રામ તુલસી) ગમે તે તુલસી વાવીએ, તો પણ ચાલે.

૧ આ. બી દ્વારા વાવેતર

તુલસીની સૂકાયેલી મંજરી હાથમાં ચોળવાથી તેમાંથી ઝીણા બી નીકળે છે. આ બી વાવવા પહેલાં હાથ પર ચોળવા. એમ કરવાથી બી પરનાં ફોતરા થોડા પ્રમાણમાં ઘસાઈ જાય છે અને બીનો છોડ ઉગવાની સંભાવના વધે છે. ‘સામાન્‍ય રીતે બી જેટલા જાડા હોય, તેટલો જાડો માટીનો થર બી પર હોવો જોઈએ’, એવું શાસ્‍ત્ર છે. તુલસીના બી આકારથી સાવ નાના હોવાથી બી પર થોડીક જ માટી ભભરાવવી. બી વધારે ઊંડા પુરવાથી છોડ ઉગતા નથી. બી વાવ્‍યા પછી પાણી પાતી વેળાએ કાળજીપૂર્વક પાવું, નહીંતર બી પરની માટી બાજુએ થઈને બી ઉઘાડું પડવાની શક્યતા હોય છે. રોપ ૪ થી ૬ ઇંચનો થયા પછી ધીમે રહીને કાઢીને યોગ્‍ય તે જગ્‍યાએ વાવેતર કરવું.

૧ આ ૧. કીડીઓ માટે પ્રતિબંધાત્‍મક ઉપાય

તુલસીના બી ને તરત જ કીડીઓ આવે છે. કીડીઓ આવે નહીં, એ માટે જે કૂંડામાં બી વાવ્‍યા હોય, તે કૂંડું પાણીમાં મૂકવું. તે માટે રંગના ડબાનું પ્‍લાસ્‍ટિકનું ઢાકણું લઈને તેમાં પાણી રેડવું અને તેમાં વચ્‍ચોવચ કૂંડું મૂકવું. કૂંડાની ફરતે હંમેશાં પાણી રહે, તે જોવું, નહીંતર જ્‍યારે પાણી ન હોય, ત્‍યારે કીડીઓ કૂંડામાં જઈને બી ખાઈ શકે છે. કીડીઓના પ્રતિબંધ માટે કૂંડા ફરતે કપૂર, ફિનાઈલ આમાંથી એક થોડું થોડું છાંટી શકાય છે. બી રુઝાઈ જાય પછી જે રોપ આવે છે, તે કાઢીને ભૂમિમાં વાવી શકાય છે.

૧ ઇ. ચોમાસામાં આપમેળે જ ઉગતા રોપો દ્વારા વાવેતર

ચોમાસામાં પહેલા પડેલા બી દ્વારા ઝાડ નીચે આપમેળે જ રોપ ઉગે છે. આ રોપો પણ ધીમે રહીને મૂળિયા સાથે કાઢીને યોગ્‍ય ઠેકાણે વાવવા.

૧ ઈ. રોપોની લેવાની કાળજી

તુલસીના રોપોને નિયમિત પાણી પાવું અને મંજરી સૂકાવા લાગે પછી કાઢી લેવા.

 

૨. અરડૂસી


૨ અ. મહત્વ

અરડૂસીને ‘ભિષઙ્મતા (વૈદ્યોનાં માતા)’ એમ કહ્યું છે. અનેક રોગોમાં તેનો ઉપયોગ થાય છે. અરડૂસી ચેપના રોગોમાં અત્‍યંત ઉપયોગી છે. ઓરી, અછબડા, તાવનો ચેપ લાગે, ત્‍યારે અરડૂસીનો પેટમાં લેવા, તેમજ નહાવાના પાણીમાં નહાવા માટે ઉપયોગ થાય છે. તેના પાનમાં શાક તેમજ ફળ રાખવાથી વધારે દિવસ ટકે છે. અરડૂસી આપણા ઘર ફરતે વધારેમાં વધારે પ્રમાણમાં વાવો. વાડ માટે થઈને અરડૂસીના ઝાડ વાવવા.

૨ આ. ઓળખાણ અને જડવાનું ઠેકાણું

આ વનસ્‍પતિ શહેરમાં પણ જોવા મળે છે. કેટલાંક ઠેકાણે આ વનસ્‍પતિ પુષ્‍કળ પ્રમાણમાં જોવા મળે છે. આ વનસ્‍પતિનાં પાન લીલાછમ અને ભાલાની અણી જેવા  અણિયાળા હોય છે. પાકેલાં પાન પીળા રંગનાં હોય છે. પાનને વિશિષ્‍ટ ગંધ હોય છે.

ડિસેંબર થી ફેબ્રુઆરી સુધી ફૂલો આવે છે. ફૂલો ધોળા રંગનાં હોય છે. ફૂલોનો આકાર જડબું ખોલેલા સિંહના મુખ જેવો હોય છે. તેથી તેનું એક સંસ્‍કૃત નામ ‘સિંહાસ્‍ય’ છે. ‘સિંહાસ્‍ય’ અર્થાત્ ‘સિંહના મોઢા જેવો આકાર ધરાવતો.’

૨ ઇ. ડાળીઓ દ્વારા વાવેતર

અરડૂસીની રાખોડી રંગની પરિપક્વ ડાળીઓ કાપીને વાવવી. ડાળીઓ કાપતી વેળાએ પેરી (પેરાઈ) (સાંઠાની બે ગાંઠ વચ્‍ચેનો ભાગ)ની થોડે નીચે કાપવું. (પેરી એટલે થડને પાન જ્‍યાં જોડાય છે, તે ભાગ.) જે ભાગ માટીમાં દટાઈ જવાનો છે, ત્‍યાંની પેરી પરનાં પાન કાપવા. તે સ્‍થાન પર મૂળિયા આવે છે. પાનને કારણે પાણીનું બાષ્‍પીભવન થાય છે, તેમજ ઝાડ તેનું અન્‍ન સિદ્ધ (તૈયાર) કરી શકે છે. ઉનાળામાં વાવેતર કરવાનું થાય તો ડાળીમાંના પાણીનું બાષ્‍પીભવન વધારે થાય નહીં; પણ ડાળી તેનું અન્‍ન પણ બનાવી શકે, તે માટે ઉપરના પાન અર્ધા કાપવા. ચોમાસામાં વાવેતર કરતી વેળાએ ઉપરના પાન કાપવાની આવશ્‍યકતા નથી. અરડૂસીની ડાળી વાવ્‍યા પછી તેને સામાન્‍ય રીતે ૧૫ દિવસોમાં મૂળિયા ફૂટે છે. પહેલાંના પાન ખરી જાય છે અને નવાં પાન આવે છે.

 

૩. ગળો (ગુળવેલ)

૩ અ. મહત્વ

ગળાના ગુણોનો કોઈ પાર નથી. કોરોના કાળમાં ગળાનું મહત્વ સહુકોઈને જ્ઞાત થયું છે. તાવથી માંડીને દમ સુધી મોટાભાગના રોગોમાં તેનો લાભ થાય છે. ગળો એ ઉત્તમ રસાયણ (શક્તિવર્ધક) છે. દુભતાં જનાવરોને ગળો ખવડાવવાથી તેમનું દૂધ વધે છે. ગળાનું વધારેમાં વધારે પ્રમાણમાં વાવેતર કરવું.

 ૩ આ. ઓળખાણ

રસ્‍તે આવતા-જતાં ચોમાસાના દિવસોમાં કેટલાંક ઝાડ પરથી પીળાશ પડતાં લીલા રંગના ૨ -૩ મિલિમીટર વ્‍યાસના તંતુ લટકતા દેખાય છે. આ તંતુ ગળાના હોય છે. તેની બહારની છાલ કથ્‍થાઈ રંગની હોય છે અને છાલ પર ફોડલા પ્રમાણે ટેરવા હોય છે. આને અંગ્રેજીમાં ‘લેંટિસેલ્‍સ (lenticels)’ કહે છે. તેનું પેરિયું કુટ્યા પછી ઉપરની કથ્‍થાઈ રંગની છાલ છૂટી પડે છે અને અંદરના ભાગની લીલાશ પડતી છાલ દેખાવા લાગે છે. ગાભો (અંદરનો ગર, ગરભ) પીળા રંગનો હોય છે. ગળાના પેરિયાને ધારદાર શસ્‍ત્રથી આડો છેદ (ક્રૉસ સેક્‍શન) દઈએ ત્‍યારે અંદર ચક્રાકાર ભાગ દેખાય છે. ભીનો ગળો કાપવાથી તેમાંથી પારદર્શક પાણી જેવો દ્રવ સ્રવે છે. આ દ્રવ થોડો કડવો હોય છે.

૩ ઇ. વાવેતર

ગળાનું કાંડ (છોડની બે ગાંઠ વચ્ચેનો ભાગ) કાપીને ભૂમિ પર મૂકી દેવાથી અને તેને પોષક વાતાવરણ મળવાથી તેમાંથી વેલ સિદ્ધ (તૈયાર) થાય છે. કાપી નાખેલા ગળાથી પણ ફરી વેલ તૈયાર થાય છે; તેથી તેને ‘છિન્‍નરુહા (છિન્‍ન – કાપ્‍યા પછી, રુહા – ફરી નિર્માણ થનારી)’ એવું પણ સંસ્‍કૃત નામ છે. ગળાના વેંત લાંબા ટુકડા માટીમાં ઊભા દાટવા. કાંડ કાપતી વેળાએ મૂળિયાની બાજુએથી ત્રાંસુ કાપવું. આ ત્રાંસો ભાગ બજારમાં મળનારી ‘રૂટેક્સ’ પાવડરમાં બોળીને ગળાનું કાંડ માટીમાં વાવવાથી કાંડને વહેલાં મૂળિયા ફૂટે છે. (કોઈપણ વનસ્‍પતિની ડાળીથી અભિવૃદ્ધિ કરવાની હોય તો આ રીતે રૂટેક્સ પાવડરનો ઉપયોગ કરવાથી ડાળીને વહેલાં મૂળિયા ફૂટે છે અને તે જીવવાની સંભાવના વધે છે.) વાડ પર, ગૅલેરીના સળિયા પર, આંબો, કડવા લીમડા જેવા વૃક્ષો પર આ વેલ ચડાવવી. આ વેલ ઝેરીલા વૃક્ષો (ઉદા. કાજરા અથવા ઝેરકોચલા) પર  છોડવી નહીં; કારણકે તેમ કરવાથી તે વૃક્ષના ઝેરીલા ગુણ ગળાની વેલમાં ઉતરે છે.

 

૪. કુંવારપાઠું

૪ અ. મહત્વ

કુંવારપાઠું નિયમિત જોઈતી ઔષધી નથી. દાઝવું-ડામ બેસવો, માસિક ધર્મનો ત્રાસ, ઉધરસ, કફમાં કુંવારપાઠાંનો ઉપયોગ થાય છે. ૪ માણસોના કુટુંબ માટે ૨ થી ૪ રોપો થઈ રહે છે; પણ ઘર ફરતે જો જગ્‍યા હોય, તો ત્‍યાં ૧૦ થી ૧૨ રોપ વાવી શકાય છે.

૪ આ. વાવેતર

ઘણાં લોકોને ત્‍યાં કુંવારપાઠું વાવેલું હોય છે. કુંવારપાઠાંને બાજુએથી તેનાં મૂળિયામાંથી  નવાં રોપ આવે છે. આ નવાં રોપ કાઢીને વાવવાથી તેમાંથી નવું ઝાડ તૈયાર થાય છે. પાડોશીઓ પાસેથી ૧ – ૨ આવા રોપ માગીને વાવવાથી સમગ્ર વર્ષમાં આપણી પાસે ૪ લોકોને થઈ રહે એટલું કુંવારપાઠું સિદ્ધ (તૈયાર) થાય છે. તેના રોપ રોપવાટિકામાં વેચાતા પણ મળે છે.

 

૫. કાલમેઘ

૫ અ. મહત્વ

આ વનસ્‍પતિ ચેપના રોગો પર ઘણી ઉપયુક્ત છે. આ અત્‍યંત કડવી હોય છે. આનો તાવ માટે અને જંતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સારક (પેટ સાફ કરનારી) હોવાથી કેટલાક ઠેકાણે ચોમાસામાં અને ત્‍યાર પછી આવનારી શરદ ઋતુમાં અઠવાડિયામાં એકવાર તેનો ઉકાળો કરી લેવાનો પ્રઘાત છે. તેનાથી શરીર નિરોગી રહે છે. આ વનસ્‍પતિથી વાયુ વધતો હોવાથી તાવ ન હોય ત્‍યારે અને વૈદ્યએ કહ્યું ન હોય, તો તેનો ઉકાળો પ્રતિદિન લેવો નહીં.

૫ આ. ઓળખાણ

આ વનસ્‍પતિને કોકણીમાં ‘કિરાયતે’ કહે છે. ચોમાસાના આરંભમાં તેનાં પાન પહોળા હોય છે. ચોમાસું સમાપ્‍ત થાય તે પછી પાન શંકુ આકારના બને છે. ચોમાસા પછી પાણી પાવાથી આ વનસ્‍પતિ ટકે છે, નહીંતર સૂકાઈ જાય છે. ઘણીવાર કોકણમાં ચોમાસા પછી સૂકાયેલી સ્‍થિતિમાં આ વનસ્‍પતિ ઠેકઠેકાણે જોવા મળે છે. તેને ચોમાસા પછી ઝીણા જીંડવાં (છોડનો કોટલાવાળો બીજકોષ) આવે છે. તેમાં બી હોય છે.

૫ ઇ. વાવેતર

આ વનસ્‍પતિ કોકણમાં મોટાભાગના ઘરમાં હોય છે. પહેલો વરસાદ વરસે કે, આ વનસ્‍પતિના રોપો પહેલાં પડેલા બી માંથી મોટી સંખ્‍યામાં તૈયાર થાય છે. આ તૈયાર રોપો લાવીને વાવી શકાય છે. વરસાદ પૂરો થયા પછી જે બી થાય છે, તે એકત્ર કરી રાખવાથી બીજા વર્ષે ચોમાસાના આરંભમાં વાવીને તેનાથી પણ રોપ બનાવી શકાય છે.

 

૬. જાઈ

૬ અ. મહત્વ

રક્તસ્રાવ રોકાય તે માટે જાઈનાં પાનનો ઉપયોગ થાય છે. મોઢું આવે ત્‍યારે જાઈના પાન ચાવીને થૂંકવાથી તરત જ સારું લાગે છે. ૪ જણના કુટુંબ માટે એકાદ ઝાડ હોવું જોઈએ.

૬ આ. જડવાનું સ્‍થાન

કેટલાક દેવસ્‍થાનોમાં જાઈનાં ફૂલોનો ઉત્‍સવ હોય છે, ઉદા. ગોવા ખાતે શિરોડામાં કામાક્ષી દેવસ્‍થાન, મ્‍હાર્દોળ ખાતે મહાલસા દેવસ્‍થાન. આવા ગામોમાં જાઈનું ખેડાણ કરવામાં આવે છે. ઘણાં લોકોના ઘરે જાઈ હોય છે.

૬ ઇ. વાવેતર

જાઈની ડાળીઓ લાવીને વાવવાથી તે ઉગે છે. ચોમાસામાં જાઈની ડાળીઓ વાવી હોય તો તેમને ઉષ્‍ણતા મળે, તે માટે ડાળીના મૂળિયા ભણીના ભાગ ફરતે સૂકાયેલા ખડની ૧ – ૨ સળીઓ વીંટવી. તેને કારણે આવશ્‍યક તેટલી ઉષ્‍ણતા મળીને ડાળીને મૂળિયા ફૂટે છે. જો ખડ ન વીંટીએ તો ઠંડકને કારણે ડાળી કોહવાઈ શકે છે.

સંકલક

શ્રી. માધવ રામચંદ્ર પરાડકર અને વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

માર્ગદર્શક

ડૉ. દિગંબર નભુ મોકાટ, સહાયક પ્રાધ્‍યાપક, વનસ્‍પતિશાસ્‍ત્ર વિભાગ, સાવિત્રીબાઈ ફુલે પુણે વિદ્યાપીઠ, પુણે તેમજ પ્રમુખ નિર્દેંશક, ક્ષેત્રીય સહસુવિધા કેંદ્ર, પશ્‍ચિમ વિભાગ, રાષ્‍ટ્રીય ઔષધી વનસ્‍પતિ મંડળ, આયુષ મંત્રાલય, ભારત સરકાર.

 

ભાગ ૨ વાંચો ……

મહત્વની ઔષધી વનસ્પતિઓનું ઘરગથ્થુ સ્તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૨

 

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ
૧. ‘જગ્યાની ઉપલબ્ધતા અનુસાર ઔષધી વનસ્પતિઓનું વાવેતર’, (હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ)
૨. ‘૧૧૬ વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ’ અને    ૩.  ‘૯૫ વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ’ (મરાઠી ભાષામાં ઉબ્લબ્ધ)

Leave a Comment

Click here to read more…