દુગ્‍ધજન્‍ય પદાર્થ કોણે અને ક્યારે ખાવા ?

ઇંટરનેટ એ વર્તમનમાં ઉપલબ્‍ધ રહેલું જાણકારીનું મહાભંડોળ છે. તેના પર પોતાને જે પદાર્થ જોઈએ તે કેવી રીતે બનાવવો ?, તે એક ‘ક્લીક’ પર જોવા મળે છે. એ સાથે જ તમારી પાસે ઉપલબ્‍ધ કાચા માલનો પાકો માલ બનાવવો હોય, તો ઓછામાં ઓછા ૧૦ માર્ગ સૂઝવવામાં આવે છે. વર્તમાનમાં સામાજિક માધ્‍યમો પર પણ અનેક પદાર્થોની પાકકૃતિઓ સૂઝવવામાં આવે છે. તેમાં જ દહીં, પનીર, ક્રીમ, મલાઈ, માવો, દૂધનો પાવડર આવા વિવિધ પદાર્થોનો મુક્તહસ્‍તે ઉપયોગ કરીને બનાવેલા ખાદ્યપદાર્થો આજકાલ મોટા પ્રમાણમાં લોકપ્રિય છે અને તેથી ઘરમાંના શીતકબાટો (રેફ્રિજરેટર) ખચાખચ ભરેલા હોય છે.

જાણકારીના અતિશય મારાને લીધે કહેવાતી આરોગ્‍ય વિશેની જાગૃત મહિલાઓ હવે જુદી જ ભાષા બોલવા લાગી છે. પ્રથિનયુક્ત આહાર માટે પનીર ખાવું, કોલેસ્‍ટ્રોલ માટે ઘી ન ખાવું ઇત્‍યાદિ સિદ્ધાંત તે મહિલાઓના મોઢેથી સાંભળતી વેળાએ ગંમત લાગે છે. એ જ મહિલાઓ આઈસ્‍ક્રીમ, કેક, મિઠાઈ, હલવો બનાવતી વેળાએ જ્‍યારે મિલ્‍કમેડ વાપરે છે, ત્‍યારે આ સિદ્ધાંતોને તિલાંજલી આપે છે કે શું ?  એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મૂળમાં જ દૂધ સારું તેથી બધા જ દુગ્‍ધજન્‍ય પદાર્થો સારા, તે પ્રતિદિન ખાવા અથવા ગમે ત્‍યારે ખાઈએ, તો પણ ચાલે, એમ હોતું નથી. દૂધના અને તેમાંથી બનાવેલા બધા જ પદાર્થોના ગુણધર્મ સરખા હોતા નથી. પનીર, ક્રીમ, મલાઈ, માવો, દૂધનો પાવડર, ઘાટું દૂધ આ સર્વના ગુણધર્મો જુદા જુદા છે. તેથી પ્રત્‍યેક પદાર્થનો જુદો વિચાર અને તે પ્રમાણે પસંદ કરવાનું આવશ્‍યક પુરવાર થાય છે.

 

૧. પનીર

આ આજના બાળકોનો અતિશય ભાવતો પદાર્થ છે. તેની વિવિધ વાનીઓ બનાવી શકાતી હોવાથી મહિલાઓને પણ તે પ્રિય છે. તેમજ પુષ્‍કળ પ્રથિનયુક્ત પદાર્થ તરીકે આજના આહારતજ્‌જ્ઞો તેની પુષ્‍કળ પ્રશંસા કરે છે અને તે ખાવાની સલાહ પણ આપે છે. પ્રત્‍યેક માનવીના આહારમાં પ્રથિનો હોવા જોઈએ તે બરાબર છે; પણ પુષ્‍કળ પ્રથિનોની આવશ્‍યકતા કેવળ શારીરિક કષ્‍ટ કરનારી વ્‍યક્તિ, પુષ્‍કળ વ્‍યાયામ કરનારી વ્‍યક્તિ, ખેલાડી લોકોને હોય છે. (અન્‍ય લોકોને પારંપારિક ભારતીય આહારમાંથી પૂરતાં પ્રથિનો મળતા હોય છે.) પ્રથિનયુક્ત કોઈપણ આહાર પચવામાં ભારે હોય છે અને તે શારીરિક કષ્‍ટ કરનારી વ્‍યક્તિને જ પચી શકે છે. જેમના સમગ્ર દિવસ દરમ્‍યાન શ્રમ ઓછા હોય છે, તેમને તે પચાવવાનું અઘરું પડે છે.

આજના શહેરી વિદ્યાર્થીઓ ઓછા શ્રમ કરનારા છે. શાળા, વર્ગો અને ઘરનો અભ્‍યાસ આ નિમિત્તે દિવસના ૧૨ થી ૧૪ કલાક એકજ જગા પર બેઠા હોય છે. તેથી તેમની પચનશક્તિ અને ભૂખ મંદ હોય છે. (એટલા માટે જ તેઓ ભોજન સમયે કટકટ કરે છે અને કેવળ વિશિષ્‍ટ તમતમતાં અથવા ભાવતા ભોજન જમે છે. કકડીને ભૂખ લાગે તો ભૂસું પણ સારું લાગે છે, આ વાત આજની માતાઓ ભૂલી ગઈ છે.)

દુર્દૈંવથી આવા જ બાળકો પર પ્રથિનોનો મારો વધારે કરવામાં આવે છે. (એ સિવાય પ્રથિનયુક્ત પદાર્થોમાં પનીર એ કાંઈ શ્રેષ્‍ઠ પદાર્થ કે ‘ફૂડ ઑફ ચોઈસ’ નથી.) દૂધ ફાડીને પનીર કરવામાં આવે છે. તેથી તેનો સમાવેશ વિરુદ્ધ આહારમાં થાય છે. ભારતના પૂર્વ ભણીના બંગાળ ઇત્‍યાદિ જે પ્રદેશોમાં મોટા પ્રમાણમાં પનીરનું સેવન થાય છે, ત્‍યાં ત્‍વચાના વિકાર અને કર્કરોગ થવાનું પ્રમાણ વધારે છે. આ બધી પાર્શ્‍વભૂમિ પર પનીર આ વારંવાર આહારમાં હોવો જોઈએ, એવો પદાર્થ નથી. સ્‍વાદ માટે પાલટ તરીકે મહિને એકાદ વાર તે ખાવામાં વાંધો નથી. જેમને વજન વધારવું છે, ઊંઘ લાગતી નથી અથવા વારેઘડીએે ઘણી ભૂખ લાગે છે, આવી વ્‍યક્તિઓએ તે વૈદ્યની સલાહ પ્રમાણે ખાવું.

 

૨. માવો

દૂધ પર અગ્‍નિસંસ્‍કાર કરીને તે ઘાટું કરીને માવો બનાવવામાં આવે છે. માવો સ્‍વાદિષ્‍ટ હોય છે અને પચવામાં ભારે, સ્‍નિગ્‍ધ, માંસ અને મેદ વધારનારો, શુક્રવર્ધક, નિદ્રાકર, વજન વધારનારો હોય છે. કોઈપણ ભેળસેળ ન ધરાવતો માવો વાર-તહેવારે ખાવામાં વાંધો નથી; પણ આજકાલ બજારમાં મળતા માવાનો ભરોસો કરી શકાય નહીં. મૂળમાં દૂધ જ ભેળસેળયુક્ત હોય છે, ત્‍યાં માવાનું શું કહેવું ? તેમાં પણ જ્‍યારે માગણી વધારે હોય, અર્થાત્ તહેવાર, ઉત્‍સવ, પરીક્ષાના પરિણામ ઇત્‍યાદિ સમયે માવો વેચાતો લાવવાનું વધારે શંકાસ્‍પદ છે. માવો જ નહીં, જ્‍યારે કોઈપણ દુગ્‍ધજન્‍ય પદાર્થ વધારે સમય ટકતો નથી. તેથી તે ટકાવવા માટે તેમાં કયા કેમિકલ્‍સ નાખતા હશે, તે કાંઈ કહેવાય નહીં; તેથી જો માવો જોઈતો હોય તો ઘરે જ દૂધ ઘાટું બનાવીને સિદ્ધ કરેલો માવો આરોગ્યકારક પુરવાર થશે.

 

૩. દૂધનો પાવડર

પાતળું દૂધ પ્રચંડ દબાણ હેઠળ એક ઝીણા છિદ્રમાંથી મોકલીને હવામાં ‘સ્‍પ્રે’ કરવામાં આવે છે. તેથી તે સૂકાઈને તેનો પાવડર બને છે. આ પાવડરમાં મોટા પ્રમાણમાં ‘નાયટ્રેટસ્’ બને છે અને દૂધમાંનું ‘કોલેસ્‍ટ્રોલ’ બળીને તેના ‘ઑક્સાઈડસ્’ બને છે. આ બન્‍ને પદાર્થ શરીર માટે ઘાતક છે. તેમાંના ‘કોલેસ્‍ટ્રોલ’ના ‘ઑક્સાઈડસ્’ રક્તવાહિનીઓમાં ભરાઈ રહીને ‘ઍથેરોસ્‍ક્લેરોસિસ (Artherosclerosis) થવાની શક્યતા હોય છે, જે હૃદયવિકારનો પાયો હોય છે. ભલે વાપરવામાં સહેલો અને ટકાઊ એવા લાભ હોય, તો પણ પર્યાય ન હોય, ત્‍યારે જ દૂધનો પાવડર વાપરવો.

 

૪. ક્રીમ અથવા મલાઈ

શાક ઘાટું બને અને તેને મીઠો સ્‍વાદ આવે, તે માટે તેમાં ક્રીમ કે મલાઈ નાખવાની સલાહ સ્‍વયંઘોષિત તજ્‌જ્ઞ વ્‍યક્તિ આપતા હોય છે. તેમાં પણ ક્રીમ વેચાતું લાવ્‍યા હોવ, તો તેના પર જુદું કાંઈ ભાષ્‍ય કરવાની આવશ્‍યકતા નથી. મલાઈ જો ઘરની હોય, તો પણ મીઠું રહેલા પદાર્થોમાં તે નાખવાથી તે વિરુદ્ધ અન્‍ન બને છે. આવા પદાર્થો નિયમિત ખાવા માટે યોગ્‍ય હોતા નથી. ક્યારેક જો ખાવા હોય, તો પણ ઋતુ, ભૂખ, પચનશક્તિ ઉત્તમ હોય, એવા સમયે જ ખાવા. આવા પદાર્થો (વિરુદ્ધ અન્‍ન) ન ખાઈએ તો કુપોષણ થઈને કાંઈ મરી જવાતું નથી. તેથી ન ખાઈએ, તો કાંઈ બગડતું નથી.

 

૫. ઘાટું દૂધ

બજારમાં મળનારું ઘાટું દૂધ એ શહેરની નોકરી કરનારી મહિલાઓને એક સુવિધા લાગે છે. વિવિધ પદાર્થો કરતી વેળાએ આ દૂધની વપરાશથી સમય અને મહેનત બન્‍ને બચે છે. મોટી કંપનીઓ નામાંકિત હોવાથી આપણો ભોળો વિશ્‍વાસ હોય છે; પણ ઉપર જણાવેલા સર્વ પદાર્થો વિશે જે જોખમ સંભવે છે, તે જ ઘાટા દૂધ વિશે પણ હોય છે. હજી એક સૂત્ર એટલે આપણે ત્‍યાં વસ્‍તુ લેતી વેળાએ તેની કાલબાહ્ય તારીખ (expiry date) જોઈને લેવાની ટેવ હજી ભલભલા શિક્ષિતોને પણ લાગી નથી. દૂધ અને દુગ્‍ધજન્‍ય કોઈપણ પદાર્થ લેતી વેળાએ આ દિનાંક અવશ્‍ય જોવી જોઈએ.

 

૬. આઈસ્‍ક્રીમ

નાના બાળકોથી માંડીને વૃદ્ધ દાદા-દાદી સુધી સહુકોઈનો આ ભાવતો પદાર્થ છે. આઈસ્‍ક્રીમ ભાવતું નથી એવી વ્‍યક્તિ શોધીને પણ જડશે નહીં. જો જડે તો તે પરગ્રહ પરથી તો નથી આવી ને ? એવા આશયથી તેની સામે જોવામાં આવે છે. ભારતમાં લોકસંખ્‍યાના પ્રમાણમાં  દૂધ આપનારાં જનાવરોની સંખ્યા ઘણી ઓછી છે. તો પછી આટલા બધા લોકોને દૂધ અને દૂધના પદાર્થોનો પુરવઠો કેવી રીતે થઈ શકે છે, તેની આપણને શંકા આવવી જોઈએ. આઈસ્‍ક્રીમ બનાવતી વેળાએ વાપરવામાં આવતું વનસ્‍પતિ ઘી, ખાંડ, રંગ, સ્‍વાદ (ફ્‍લેવર) કુલ જોતા બધો મામલો ગોટાળાવાળો છે. આઈસ્‍ક્રીમ એ કાંઈ જીવન આવશ્‍યક પદાર્થ નથી પણ જીભના લાડ લડાવવા માટેનો (અને પાછળથી શરીરને ઇજા પહોંચાડનારો) પદાર્થ છે. તેને પોતાના આહારમાં કેટલું મહત્વ આપવું એ જેનો તેનો પ્રશ્‍ન છે.

પણ એક વાત ચોક્કસ કે, પાણીમાંની અશુદ્ધિ દૂર કરવા માટે જે રીતે એક ફટકડીનો ટૂકડો ફેરવીને કામ થાય છે, તેવી રીતે શરીરમાં ગયેલું આઈસ્‍ક્રીમ ભેગું કરીને તેનું શરીર પર થનારું દુષ્‍પરિણામ ટાળી શકાય તેવી ‘ફટકડી’ હજીસુધી તો કોઈએ શોધી નથી. ત્‍યારે જો આઈસ્‍ક્રીમ ખાવું હોય, તો પોતાના દાયિત્‍વ પર ખાવું, અમે નાના હતા ત્‍યારે ઘાટા દૂધમાં કેરીનો રસ અથવા ગુલકંદ નાખીને અમે ઘરે જ આઈસ્‍ક્રીમ બનાવતા. આ આઈસ્‍ક્રીમ શીત, બળદાયક, તૃપ્‍ત કરનારું, ઠંડું અને પિત્તશામક હોય છે. ઉનાળામાં કરીને ખાવામાં કાંઈ જ વાંધો નથી. અર્થાત્ તે ભોજન પછી ‘ડેઝર્ટ’ તરીકે લેવાને બદલે ભોજનમાં અથવા ભોજનના પર્યાય તરીકે લેવું; કારણકે તે પચવામાં બહુ ભારે હોય છે. સ્‍થૂલ અને મધુમેહી વ્‍યક્તિ આ પદાર્થ ન ખાય તો જ સારું.

દૂધના પદાર્થોના શાસ્‍ત્રમાં કહેલા લાભ જો જોઈતા હોય, તો મૂળમાં દૂધ ભારતીય ગોવંશનું હોવું જોઈએ. જો આ સર્વ પદાર્થો ઘરે બનાવેલા હોય, તો ઉત્તમ. સામાન્‍ય રીતે ગાયના દૂધમાંથી બનાવેલા પદાર્થ પચવામાં ભારે હોય છે; તેથી ભૂખ ન હોય ત્‍યારે અને કોઈપણ બીમારી દરમ્‍યાન ખાવા નહીં. આ પદાર્થો મીઠા, ઠંડાં, વાત અને પિત્ત ન્‍યૂન કરનારા, કફ વધારનારા, વજન વધારનારા, શુક્રધાતુ વધારનારા (તેથી અપથ્‍યકર), બળ વર્ણ-સ્‍વર-ઓજ- આયુષ્‍ય માટે હિતકારી છે. તેનો આહારમાં તારતમ્યથી સમાવેશ કરવાથી તે નક્કી જ ફળદાયી પુરવાર થાય છે. જેમને આ નિયમો કઠિન લાગે છે, તેમણે પ્રતિદિન પુષ્‍કળ શારીરિક કષ્‍ટ કરવા અને પછી ભલે દૂધના પદાર્થો પેટ ભરીને ખાવ. છોકરાઓને ખાવા દેવા હોય, તો તેમને ૨ થી ૩ કલાક મેદાનની રમતો રમવા મોકલવા; પણ ભારતીય ગાયનું દૂધ અને ઘરે બનાવેલા પદાર્થ આ શરત સર્વત્ર લાગુ છે.

 વૈદ્ય સુચિત્રા કુલકર્ણી (સંદર્ભ : દૈનિક તરુણ ભારત)

Leave a Comment