અનેક વિકારો માટે ઔષધ રહેલું પાનબીડું

ભારતીય સંસ્‍કૃતિમાંનું એક અનમોલ ‘પાન’ એટલે નાગરવેલનું પાન અર્થાત્ બીડું. આયુર્વેદ અનુસાર અને વ્‍યવહાર અનુસાર તેમાંના ગુણ-દોષ આપણે જોઈશું.

 

૧. નાગરવેલના પાનનું ભારતીય સંસ્‍કૃતિમાંનું મહત્વ

‘સર્વ દેવકાર્યોમાં નાગરવેલના પાનને અનન્‍યસાધારણ મહત્વ છે. વિવાહ, જનોઈ, વાસ્‍તુશાંતિ હોય, કે સત્‍યનારાયણની અથવા કોઈપણ પૂજા હોય, પાન અને સોપારી એ તેમાંના અવિભાજ્‍ય ઘટકો છે ! ભોજનની સમાપ્‍તિ પાન ખાધા પછી જ થાય છે. અન્‍યથા ‘ભોજન સમાપ્‍ત થયું છે’, એમ લાગતું નથી. પહેલાંના સમયમાં ઘરે આવેલા મહેમાનોનું સ્‍વાગત કરવાની ભારતીય પદ્ધતિ એટલે, પાનની તબકડી આગળ ધરી દેવી. હવે તેની જગ્‍યા ચા એ લીધી છે. પાન ખાવું એ વ્‍યસન ક્યારેય હોતું નથી; પણ ચા નું વ્‍યસન લાગે છે. તે પહેલાં મહેમાનને ગોળ-પાણી અને પછી પાનની તબકડી (તાસક) આપવામાં આવતી.

આ તબકડીમાં તમાકુ નહોતી, પણ મરડિયો (એક જાતનો કાંકરો જેને પકવ્યાથી ચૂનો બને છે), રંગીન કાથો, સુકવીને કડક કરેલી અથવા ભીની સોપારી, લવીંગ, એલચી, વરિયાળી અને કોપરાનો ટૂકડો અથવા ગુલકંદ રહેતો ! આયુર્વેદ અનુસાર જાગીએ ત્‍યારે, નહાયા પછી, દેવપૂજા થયા પછી, ભોજન કરી લીધા પછી, આ રીતે દિવસમાં ૧૦ થી ૧૨ વાર પાન ચગળીને ખાવા કહ્યું છે. ચલચિત્રોમાં પાનની મહતી વિશદ કરનારાં અનેક ગીતો આપણે આજે પણ સાંભળીએ છીએ ! બીડું લેજો નારાયણ’, એવી એક આરતી પણ છે.

 

૨. બીડું બનાવવાની અને
ખાવાની આયુર્વેદ અનુસાર આદર્શ પદ્ધતિ

બીડું બનાવતા પહેલાં પાનનું ડીંટિયું અને ટોચનો ભાગ કાઢી નાખવો. પાનની પાછળના રેસાઓ હાથથી કાઢી નાખવા. પછી ચણાની દાળ જેટલો ચૂનો પાનને લગાડવો. તેનાં પર કાથો નાખવો. ત્યાર પછી સોપારી, એલચી, વરિયાળી ઇત્‍યાદિ મૂકીને વિશિષ્‍ટ પદ્ધતિથી તેની ગડી વાળવી અને બીડું બંધ કરવું. ગડી છૂટે નહીં તે માટે ઉપરથી લવીંગ લગાડવી. આ રીતે બીડું તૈયાર થાય છે ! પાન ચાવ્‍યા પછી પ્રથમ અને બીજી વાર આવનારા રસ ગળવા નહીં. પ્રથમ આવનારો રસ ગળો, તો એ ઝેર બરાબર છે. બીજીવારનો રસ પચવામાં ભારે છે અને પ્રમેહ (શરીરમાં મૂત્રપ્રવૃત્તિ વધારનારો રોગ) નિર્માણ કરનારો હોય છે. ત્રીજીવાર અથવા ત્યાર પછી નીકળનારો રસ અમૃત સમાન હોવાથી તે ગળવો. બની શકે તેટલો સમય બીડું ચગળવું અને પછી ચોથી વારનો રસ ગળવો.

 

૩. અનેક વિકારો માટે ઔષધ તરીકે ઉપયોગી બીડું

દાંત દુઃખવા, હલવા, સડવા, તેમજ પેઢાંમાંથી લોહી આવવું, વારંવાર મોઢું આવવું, ગળામાંની ગાંઠોને સોજો આવવો, અવાજ બેસી જવો, કાન દુઃખવા, કાનમાંથી પાણી આવવું, વારંવાર શરદી થવી, નાકનું હાડકું વધવું, દૃષ્‍ટિદોષ, આવી અનેક વ્‍યાધિઓમાં ચિકિત્‍સા તરીકે અને આ રોગ થાય નહીં એ માટે બીડું ખાવું, એવું આયુર્વેદમાં કહ્યું છે.

 

૪. બીડું ખાધા પછી થૂંક ગળવાનું મહત્વ

એક ધ્‍યાનમાં રાખવું કે, પાન ખાધા પછી પ્રથમ બે પિચકારી પછી થૂંકવું નહીં. એક થૂંકની પિચકારીમાંથી કેટલી લાળ બહાર પડે છે, તેનો અભ્‍યાસ કરવાથી ધ્‍યાનમાં આવ્‍યું કે, એકવાર પિચકારી નાખવાથી ઓછામાં ઓછી ૫ મિ.લિ. લાળ બહાર ફેંકાય છે. એકવાર પાન ખાધા પછી ત્રણ વાર પિચકારી થૂંકવામાં આવે છે, અર્થાત્ ૧૫ મિ.લિ. લાળ બહાર ફેંકાઈ જાય છે. આવા ૧૦ પાન ખાવાથી ૧૫૦ મિ.લિ. લાળ બહાર પડશે. લાળ એ ‘અલ્‍કલી’ (એસિડની વિરોધી) ગુણધર્મની અને ઉત્તમ જંતુનાશક હોય છે. જમ્‍યા પછી પેટમાં વધેલું વધારાનું આમ્‍લ આ લાળથી ઘટાડવામાં આવે છે. આ ૧૫૦ મિ.લિ. લાળ પેટમાં જાય તો ઍસિડીટી, અપચો, ગૅસ (વાયુ), અજીર્ણ આ હંમેશાં ત્રાસ દેનારા વિકાર આપમેળે જ નાસી જાય છે.

 

૫. બીડાંમાંના વિવિધ ઘટકોના ઔષધી ગુણધર્મ

૫ અ. કોલેસ્‍ટેરૉલ, કફ અને કૃમિનો નાશ કરનારું નાગરવેલનું પાન

લીલું પાન હૃદયરોગ માટે ઉત્તમ ઔષધ છે. લોહીમાંનો કફ અર્થાત્ આજનું કોલેસ્‍ટેરૉલ ઘટાડવું, ગળામાંના કફની ચીકાશ કાઢી નાખવી, આ કામ પાન પોતે કરે છે. અન્‍નપચન થવા માટે જે તંતુમય અને રેસાદાર પદાર્થ આવશ્‍યક હોય છે, તે આ પાનમાંથી મળે છે. પાનની તીખાશ કૃમિનો નાશ કરે છે.

૫ આ. નૈસર્ગિક કૅલ્‍શિયમનો સંગ્રહ રહેલો કૃમિનાશક ચૂનો

પાનને લગાડેલો ચૂનો આ એક અપ્રતિમ ઔષધ છે. ચૂનાને કારણે કદીપણ કૃમિ થતા નથી. તેનો જ અર્થ તે જંતુની વૃદ્ધિ રોકે છે. આ ગુણધર્મને કારણે જ પાન ખાવાથી દાંત ખરાબ થતા નથી અને પેટમાં રહેલાં જંતુ પણ મરી જાય છે. પેટમાં રહેલા જંતુ અતિશય હઠીલા હોય છે. આજકાલની મોટાભાગની ઔષધીઓને તે જરાય પ્રતિસાદ આપતા નથી; પણ આ નાના-મોટા કૃમિ માટે ચૂનાનું નીતર્યું પાણી, એ અપ્રતિમ ઔષધ છે. ચૂનો એ નૈસર્ગિક કૅલ્‍શિયમ છે. તેને કારણે લોહીમાંનું કૅલ્‍શિયમ વધવામાં આપમેળે જ સહાયતા થાય છે. નૈસર્ગિક હોવાથી તે સહેલાઈથી પચે છે અને વધારાનો બહાર ફેંકાઈ જાય છે.

તેથી કોઈપણ દુષ્‍પરિણામ થતું નથી. આજે ડૉક્‍ટરના સમાદેશ (સલાહ) અનુસાર મળનારી કૃત્રિમ રીતે બનાવેલી કૅલ્‍શિયમની દવાઓ મૂત્રપિંડમાંની (કિડનીમાંની) અથવા પિત્તાશયમાંની પથરી વધારે છે. વેચાતા મોંઘા કૅલ્‍શિયમ કરતાં એક-બે પૈસાનો ચૂનો આપણું આર્થિક ‘બજેટ’ પણ સંભાળે છે. અર્થાત્, ડૉક્‍ટરોનું અને ઔષધ કંપનીઓનું પુષ્‍કળ નુકસાન થતું હોવાથી તેમનો પાનને વિરોધ હોવો તે સાહજિક છે. ચૂનો ઉત્તમ અલ્‍કલી હોવાથી લાળની જેમજ પિત્ત ઘટાડવામાં સહાય કરે છે. આવો બહુગુણી ચૂનો પ્રત્‍યેકના ઘરે હોવો જ જોઈએ ! ગમે ત્‍યાં મચકોડાય, સણકા આવે, મૂઢમાર લાગે, તો ઉપરથી લગાડવાની ચૂના જેવી બીજી દવા નથી. ખાવાનો ચૂનો બહારથી લગાડવાથી કાંઈ જ અપાય થતા નથી.

૫ ઇ. રક્તવર્ધક અને રક્તસ્‍તંભક કાથો

કાથો રક્તવર્ધક અને રક્તસ્‍તંભક (રક્તસ્રાવ રોકનારો) છે. જેમને શરીરના કોઈપણ માર્ગમાંથી રક્તસ્રાવ થવાની ટેવ હોય છે, તેમના માટે કાથો અમૃત જ છે. કાથો પાનને લગાડીને ખાવાથી દાંતમાંથી, પેઢાંમાંથી, ગળામાંથી કે નાકમાંથી નીકળનારું લોહી તરત જ રોકાય છે.

૫ ઈ. કર્કરોગને (કૅન્‍સરને) પ્રતિરોધ કરનારી અને શુક્રધાતુ વધારનારી સોપારી

સોપારી શુક્રધાતુ વધારનારી છે. કાચી કે શેકેલી સોપારીથી કર્કરોગ થતો નથી. બજારમાં મળનારી સુગંધિત મીઠી સોપારી જરા ગડબડ કરનારી છે; કારણકે તેમાં સૅક્રિન ભેળવેલું હોય છે, જે કર્કરોગની વૃદ્ધિ કરનારું છે.

 

૬. બીડું ખાવું એ આરોગ્‍યદાયી ટેવ

આટલા ગુણ જો પાનબીડામાં હોય, તો ભલે કોઈ ગમે તે કહે, બીડું ખાવું તે એક આરોગ્‍યદાયી ટેવ છે, એ નિશ્‍ચિત ! હા, કેવળ એક સાઈડ ઇફેક્‍ટ દેખાય છે, તે એટલે પાન ખાઈએ કે દાંત, હોઠ અને મોઢું રંગાય છે ! હવે એમ વિચાર કરો કે ‘લીપસ્‍ટિક’ લગાડીને મોઢું રંગવા કરતાં પાનબીડું ખાઈને તે રંગાય તો ખોટું શું છે ? અર્થાત્ આ જેનો તેનો પ્રશ્‍ન છે.’

 વૈદ્ય સુવિનય દામલે, કુડાળ, સિંધુદુર્ગ.

Leave a Comment