આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૩

આપત્‍કાળમાંથી તરી જવા માટે સાધના શીખવનારી સનાતન સંસ્‍થા !

અખિલ માનવજાતિને આપત્‍કાળમાં જીવતા રહેવા માટે સિદ્ધતા
કરવા વિશે માર્ગદર્શન કરનારા એકમાત્ર પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલે !

ભાગ ૨ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં  જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૨

પૂર, ભૂકંપ, ત્રીજું મહાયુદ્ધ, કોરોના મહામારી જેવા સંકટો ઇત્‍યાદિ આપત્‍કાળમાં ટકી રહેવા માટે કરવાની સિદ્ધતા વિશેની લેખમાલિકાના પહેલા લેખમાં ચૂલો, ગોબર-ગૅસ ઇત્‍યાદિ વિશે જાણકારી લીધી. બીજા લેખમાં શાકભાજી, ફળો ઇત્‍યાદિના વાવેતર કરવા વિશે જાણકારી લીધી. હવે આ લેખમાં ટકી શકે તેવા પદાર્થોનું વિવેચન કર્યું છે. આપત્‍કાળમાં હંમેશાંની જેમ જો રસોઈ અથવા નાસ્‍તો બનાવી ન શકાય, તો આપણા પર ભૂખમરાનો વારો આવે નહીં, એ માટે ઘરમાં પહેલેથી જ ટકી શકે તેવા પદાર્થો બનાવી રાખ્‍યા હોય તો ઉપયોગી થશે.

 

૩. આપત્‍કાળની દૃષ્‍ટિએ દૈનદિન
(શારીરિક) સ્‍તર પર કરવાની વિવિધ સિદ્ધતા !

૩ અ ૫. વિવિધ ટકનારા ખાદ્યપદાર્થો વેચાતા લઈ રાખવા અથવા ઘરમાં બનાવી રાખવા

આપત્‍કાળમાં રસોઈ માટે ઇંધનની અછત હોવી, ઘરમાં બધા બીમાર હોવા, અચાનક અન્‍ય ઠેકાણે સ્‍થળાંતરિત થવું પડવું, બજારમાં શાકભાજી ન મળવા ઇત્‍યાદિ પરિસ્‍થિતિ નિર્માણ થઈ શકે છે. આવા સમયે હંમેશાંની જેમ રસોઈ-નાસ્‍તો બનાવી શકાશે, એમ હોતું નથી. આ પરિસ્‍થિતિમાં વિવિધ ટકી શકનારા ખાદ્યપદાર્થો સંગ્રહી હોય, તો ઉપયુક્ત થશે.

અ. આગળ જણાવેલા પદાર્થોમાંથી કેટલાક પદાર્થ (ઉદા. ખાખરા, અથાણાં, પીણાં) બજારમાં વેચાતા મળે છે. તે વેચાતા લાવી રાખી શકાય. ઘરે પણ આવા પદાર્થો બનાવવાની ટેવ અત્‍યારથી જ પાડવી; કારણકે આગળ આપત્‍કાળ જેમ જેમ તીવ્ર બનતો જશે, તેમ તેમ આ પદાર્થો બજારમાં મળવાનું પણ કઠિન થશે.

આ. આગળ જણાવેલા પદાર્થો ઉદાહરણ તરીકે છે, તેમજ તે આપતી વેળાએ ઘણું કરીને મહારાષ્‍ટ્રનો વિચાર કર્યો છે. વાચકોને તે તે રાજ્‍ય અનુસાર અથવા દેશ અનુસાર જાણીતા હોય તેવા ટકનારા પદાર્થો વેચાતા લઈ શકાશે અથવા ઘરે બનાવી શકાય.

ઇ. અમે ટકી શકનારા પદાર્થો બનાવવાની કૃતિઓ વધારે આપી નથી. આ કૃતિ મોટાભાગના લોકો જાણતા હોય છે. પણ આપત્‍કાળનો વિચાર કરીને ઘણે ઠેકાણે ‘ટકનારા પદાર્થો વધારે સમયગાળા માટે કેવી રીતે ટકાવી શકાય’, એ સંદર્ભમાં ઉપયુક્ત સૂચનો કર્યા છે.

‘ટકી શકે તેવા પદાર્થો કેવી રીતે બનાવવા’, આ વિશેની જાણકારી વાચકોને ન હોય, તો તેણે તે જાણકારી કુટુંબમાંના વડીલો પાસેથી સમજી લેવી અથવા પાકશાસ્‍ત્ર પરના પુસ્‍તકો વાંચવા અથવા પદાર્થોર્ની ‘યુ-ટ્યુબ’ પર આપેલી કૃતિઓ જોવી. આ વિષય પર વિવિધ ‘કિચન એક્સપર્ટ (Kitchen Expert)’ જેવી ભ્રમણભાષ પ્રણાલીઓ (ઍપ્‍સ) પણ ઉપલબ્‍ધ છે.

ઈ. ગ્રંથમાં સંભવ છે ત્‍યાં ટકનારા પદાર્થો ટકવાનો સરાસરી સમયગાળો પણ આપ્‍યો છે. આ સમયગાળામાં તે તે પ્રદેશમાંની આબોહવા, ટકનારા પદાર્થો બનાવતી વેળાએ લીધેલી કાળજી ઇત્‍યાદિ પરિબળો પર પણ આધારિત છે.

૩ અ ૫ અ . ચોખા અને રાગીનો લોટ, દૂધનો પાવડર ઇત્‍યાદિ પદાર્થ
રાગીનો લોટ
૩ અ ૫ અ ૧. ચોખા અને રાગી (નાચણી)નો લોટ આ લોટમાંથી નાચણીનો લોટ વધારે પૌષ્ટિક છે.

ચોખા ૩ – ૪ કલાક પલાળીને તે ચાળણીમાં નીતરવા મૂકવા. ૧ કલાક પછી પાણી નીતરી ગયા પછી અને તેની ભીનાશ ઓછી થયા પછી થોડા થોડા ચોખા મધ્‍યમ આંચ પર શેકવા. એક સમયે થોડા ચોખા લેવાથી તે ધાણી જેવા ફૂલે છે. અંતમાં સર્વ ચોખાનો લોટ કરીને તે કોરી બરણીમાં ભરી રાખવો. આ લોટ લગભગ ૩ માસ ટકે છે. તે દૂધ, દહીં, છાસ અથવા દાળમાં નાખીને ખાઈ શકાય છે. લોટ જો દૂધમાં લઈએ તો સ્‍વાદ પૂરતી ખાંડ કે ગોળ નાખી શકાય છે.

ચોખાનો લોટ બનાવ્‍યો તે પ્રમાણે જ રાગીનો પણ લોટ બનાવી શકાય છે. આ લોટ લગભગ ૩ માસ સુધી ટકે છે.

૩ અ ૫ અ ૨ . સાતુનો (સત્તુનો) લોટ (શેકેલા અનાજનો લોટ)
સત્તુનો લોટ

ઘઉં ધોઈને ચાળણીમાં નીતરાવવા મૂકવા. લગભગ ૧ કલાક પછી ઘઉંમાંનું પાણી નીતરી ગયા પછી અને તેની ભીનાશ ઓછી થયા પછી તે મધ્‍યમ આંચ પર લાલ-ગુલાબી શેકી લેવા. તેમાં દાળિયા અને જીરૂં શેકીને નાખવા. સર્વ એકત્ર કરીને તેનો લોટ કરવો. આ લોટ હવાબંધ ડબામાં અથવા કોરી બરણીમાં ભરી રાખવો. આ લોટ પાણી અથવા દૂધમાં નાખીને સ્‍વાદ અનુસાર ખાંડ કે ગોળ નાખીને ખાઈ શકાય છે. આ લોટ લગભગ ૬ માસ ટકે છે.

પ્રાંત અનુસાર સાતુનો લોટ બનાવવાની જુદી જુદી પદ્ધતિઓ છે. કેટલાક સ્‍થાનો પર ઘઉંને બદલે જવનો ઉપયોગ કરે છે, જ્‍યારે કેટલાક ઠેકાણે કેવળ આખા ચણા શેકીને તેનો લોટ બનાવે છે. ૫ થી ૭ અનાજ ભેગા કરીને પણ શેકીને તેનો લોટ (ઉપર જણાવ્‍યા પ્રમાણે) કરી શકાય છે.

– શ્રીમતી ક્ષમા રાણે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (ફેબ્રુઆરી ૨૦૨૦)

૩ અ ૫ અ ૩. ઘઉં અથવા નાચણીનું ‘સત્વ’
નાચણીનું ‘સત્વ’

‘ઘઉં અથવા નાચણીનો ચીક કાઢીને તે સરખો સૂકવવાથી તેનો ભૂકો (પાવડર) સિદ્ધ થાય છે. તેને ‘સત્વ’ કહે છે. આ પાવડર પૌષ્ટિક છે અને દૂધ અથવા પાણીમાં રાંધીને તેમાં ખાંડ કે ગોળ નાખીને ખાઈ શકાય છે. આ પાવડર લગભગ ૩ માસ ટકે છે.’

– સૌ. અર્પિતા દેશપાંડે, સનાતન આશ્રમ, મિરજ. (ફેબ્રુઆરી ૨૦૧૯)

૩ અ ૫ અ ૪. યંત્ર દ્વારા પ્રક્રિયા કરેલા પૌષ્ટિક પદાર્થ

દૂધનો પાવડર, નાના બાળકો માટે વિવિધ પોષક ઘટકો રહેલા પાવડર ઇત્‍યાદિ સંગ્રહ કરી શકાય છે. જર્સી જેવી વિદેશી વંશની ગાયનું દૂધ શરીરને હાનિકારક હોય છે, એવું સંશોધનથી સિદ્ધ થયું છે. તેથી દેશી ગાયના દૂધનો પાવડર મળતો હોય, તો તેને પ્રાધાન્ય આપવો.

૩ અ ૫ આ. સખત તડકામાં સૂકવેલા રોટલા, ગોળની રોટલી ઇત્‍યાદિ પદાર્થો

૩ અ ૫ આ ૧. જુવાર (જાર) અને બાજરાના રોટલા
બાજરાના રોટલા

આ રોટલા કરતા પહેલાં તેનાં લોટમાં સ્‍વાદ માટે મરચું, મીઠું અને હિંગ નાખી શકાય છે.

અ. જુવારના લોટના સાવ પાતળા રોટલા બનાવીને તે તડકામાંં કડક થાય ત્યાં સુધી સૂકવવા. આ રોટલા લગભગ ૧ માસ ટકે છે.

આ. બાજરાના લોટના પણ એકદમ પાતળા રોટલા કરીને તે તડકામાં કડક થાય ત્યાં સુધી સૂકવવા. આ રોટલા જુવારના રોટલા કરતાં સ્‍વાદમાં વધુ સારા લાગે છે. આ રોટલા લગભગ ૨ માસ ટકે છે.

સખત તડકામાં સૂકવેલા રોટલા ઘટ્ટ ઢાંકણાના ડબામાં ભરી રાખવા. આ રોટલાના ટૂકડા કરીને તેના પર ગરમ દાળ રેડીને તે ખાઈ શકાય છે.

૩ અ ૫ આ ૨. ગોળની રોટલી
ગોળની રોટલી

ગોળની રોટલી સરખી શેકવી. રોટલી શેકીને તે પૂર્ણ ઠંડી થવા દેવી. રોટલી ગરમ હોય ત્‍યારે એક પર એક ન મૂકવી. રોટલી ઠંડી થાય કે તે ઘટ્ટ ઢાંકણાના ડબામાં ભરી રાખવી. આવી રોટલી સાધારણ રીતે ૧ માસ અથવા તેનાંથી પણ વધારે સમય સુધી ટકે છે.

૩ અ ૫ આ ૩. ખાખરા
ખાખરા

મેથી, જીરૂં, મસાલો (ઉદા. ચાટ મસાલો, ગરમ મસાલો) ઇત્‍યાદિ સ્‍વાદમાં ખાખરા બનાવી શકાય છે. તે માટે ઘઉંના લોટમાં આપણને જે સ્‍વાદમાં ખાખરા જોઈતા હોય, તે પદાર્થ નાખીને લોટ કઠ્ઠણ બાંધવો. તેની એકદમ પાતળી રોટલી વણવી. તે તવા પર શેકતી વેળાએ ચોખ્‍ખા કપડાથી પૂર્ણ રોટલી પર દબાણ આપીને ધીમી આંચ પર શેકવી. તે ક્યાંયથી પણ ફૂલવા દેવી નહીં. પછી તે ઠંડી થવા દેવી. ખાખરા ઠંડા થઈ જાય પછી તે ઘટ્ટ ઢાંકણાના ડબામાં ભરી રાખવા. તે સાધારણ ૩ માસ ટકે છે.

૩ અ ૫ ઇ. ઘઉંના લોટના અને અન્‍ય ધાન્યના લોટના લાડુ

લાડુ

દળેલી ખાંડ કે ગોળ નાખીને કરેલા ઘઉંના લોટના લાડુ ૧-૨ માસ ટકે છે. નાચણી (રાગી)નો લોટ, ચણાનો લોટ (બેસન), મગનો લોટ ઇત્‍યાદિના લાડુ પણ ૧-૨ માસ ટકે છે.

૩ અ ૫ ઈ. કેરીની રોટલી અને ફણસની રોટલી

ફણસની રોટલી

આને કડક તડકામાં સૂકવવી. કેરીની રોટલી પર આવશ્યક એટલું ઉષ્‍ણ (ગરમ) પાણી રેડીને તે ઢીલી બનાવવાથી મુરબ્‍બાની જેમ રોટલી સાથે પણ ખાઈ શકાય છે.

કેરીની રોટલી અને ફણસની રોટલી સામાન્‍ય રીતે ૧ વર્ષ સુધી ટકે છે.

– (પૂ.) વૈદ્ય વિનય ભાવે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (જાન્‍યુઆરી ૨૦૨૦)

૩ અ ૫ ઉ. કેરીનો રસ

કેરીનો રસ

૧. કેરીના રસમાં સમ પ્રમાણમાં ખાંડ નાખીને તે મિશ્રણ પૂર્ણ સૂકાય ત્‍યાં સુધી તડકે રાખવું. આવી રીતે સૂકવેલો રસ શીતકબાટમાં (‘ફ્રીજ’માં) મૂકવાથી સામાન્ય રીતે દોઢ તે બે વર્ષ સુધી ટકે છે અને જો શીતકબાટની બહાર મૂકીએ તો સામાન્‍ય રીતે ૧ વર્ષ ટકે છે.

૨. કેરીના રસમાં સમ પ્રમાણમાં ખાંડ નાખીને તે મિશ્રણ ‘ગૅસ’ અથવા ચૂલા પર ઘાટું કરવું. આ ઘાટો રસ શીતકબાટમાં મૂકવાથી લગભગ ૧ વર્ષ ટકે છે. (શીતકબાટમાં ન મૂકીએ તો તેને ફૂગ ચડી શકે છે.)

૩ અ ૫ ઊ . મુરબ્‍બો, છુંદો ઇત્‍યાદિ પદાર્થ

છુંદો

‘આ ખાંડ અથવા ગોળના પાકમાંના પદાર્થો છે. આ પદાર્થો સારા ટકે તે માટે ગોળીબંધ પાક (પાકો પાક) કરવો તેને કારણે પાકમાં પાણીનો જરા પણ અંશ રહેતો નથી અને કરેલો પદાર્થ સારો ટકે છે. ગોળીબંધ પાક કરવાથી પદાર્થમાં ‘પ્રિઝરર્વેટીવ’ (પદાર્થ બગડી ન જાય; તે માટે નાખવાના રસાયણિક પદાર્થ)’ નાખવા પડતા નથી.

૩ અ ૫ ઊ ૧. કેરીનો મુરબ્‍બો

આ કાચી અથવા પાકેલી કેરીનો બનાવી શકાય છે. મુરબ્‍બો ૧ વર્ષ તો સહેજ ટકે છે.

૩ અ ૫ ઊ ૨. કેરીનો છુંદો (કાચી કેરી ખમણીને તેમાં આવશ્‍યકતા અનુસાર પદાર્થ નાખીને બનાવેલું મિશ્રણ)

છુંદાને ૧૫ થી ૨૦ દિવસ કડક તડકામાં રાખવો. કેરીનો છુંદો ઘણા વર્ષ સુધી ટકે છે.

૩ અ ૫ ઊ ૩. આમળા, કેરી, સ્‍ટ્રૉબેરી, સંતરા ઇત્‍યાદિની ‘જેલી’ અને ‘જૅમ’
જેલી’ અને ‘જૅમ

આ સામાન્‍ય રીતે ૧ વર્ષ સુધી ટકે છે.’

– સૌ. અર્પિતા દેશપાંડે, સનાતન આશ્રમ, મિરજ. (ફેબ્રુઆરી ૨૦૧૯)

૩ અ ૫ એ. અથાણાં અને ‘ટમેટાનો સૉસ’

૩ અ ૫ એ ૧. અથાણાં
અથાણું
અ. ઘરે કરેલા અથાણાં સારા ટકે, તે માટે લેવાની કાળજી

‘આગળ જણાવેલી કાળજી લઈને અથાણાં કરવાથી, કેરી, આમળા, મરચાં, લીલી હળદર ઇત્યાદિના અથાણાં ૧ થી ૨ વર્ષ ટકે છે. લિંબુને ચડાવીને કરેલું લિંબુનું અથાણું લગભગ ૪ – ૫ વર્ષ ટકી શકે છે. લિંબુના અથાણાને કારણે રુગ્‍ણ વ્‍યક્તિને જીભે પણ સ્‍વાદ આવે છે તેમજ તે જેટલું જૂનું થાય તેટલું તે વધારે સારું લાગે છે.

અ ૧. અથાણું કરવા પહેલાં હાથ સ્‍વચ્‍છ ધોઈને કોરા કરવા, અથાણા માટેની કેરી, લિંબુ, આમળા, લીલી હળદર, મરચાં ઇત્‍યાદિ ધોઈને, ચોખ્‍ખા લૂછીને કોરા કરી લેવા. અથાણું બનાવવા માટે જોઈતા પદાર્થ, ઉદા. મરચું, ગાંગડા મીઠું શેકી લેવું, એટલે તેમાં પાણીનો અંશ રહેતો નથી. (અથાણાં ટકવા માટે આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવા કરતાં ગાંગડા મીઠાનો ઉપયોગ કરવો; કારણકે આયોડિનયુક્ત મીઠાને કારણે અથાણું વહેલું ખરાબ થઈ શકે છે.) જો અથાણામાં ખાંડનો ઉપયોગ કરવાનો હોય, તો ખાંડ પણ કોરી હોવી જોઈએ. અથાણું બનાવતી વેળાએે જોઈએ તો ‘પ્રિઝરર્વેટીવ’ વાપરી શકાય છે.

અ ૨. અથાણું ચીની માટીની બરણીમાં અથવા જાડા કાચની બરણીમાં ભરવું.

અ ૩. અથાણું બરણીમાં ભરી લીધા પછી અથાણાના ઉપરના ભાગમાં ગાંગડા મીઠું ભભરાવવું.

અ ૪.અથાણાને ફૂગ ન ચડે એ માટે આંગળીના બે વેઢા જેટલું ગરમ કરીને ઠંડું કરેલું તેલ અથાણા પર રેડવું.

અ ૫.અથાણાની બરણીનો ખુલ્‍લો ભાગ સ્‍વચ્‍છ કોરા કપડાથી લૂછી લેવો અને બરણીનું ઢાંકણું બરાબર બંધ કરવું. બરણીના ઢાંકણા પર સ્‍વચ્‍છ સુતરાઉ કપડું રાખીને તે બરણીના ગળે નાડીથી બાંધી દેવું.

અ ૬. અથાણાની બરણી કોરા સ્‍થાન પર મૂકવી. (પહેલાં અથાણાની બરણીઓ ઊંચે અથવા પૂજાઘરમાં રાખતા હતા.)

અ ૭. જમતી વેળાએ લેવાનું અથાણું વારેઘડીએ મુખ્‍ય સંગ્રહમાંથી કાઢવાને બદલે અઠવાડિયામાં એકવાર પૂરા અઠવાડિયા માટે પૂરતું થઈ રહે તેટલું અથાણું જુદા વાસણમાં કાઢી રાખવું. બને ત્‍યાં સુધી નહાઈને મુખ્‍ય સંગ્રહમાંથી અથાણું કાઢવું. અથાણું કાઢવા માટે વાપરવાનો મોટો ચમચો, અથાણું કાઢી રાખવા માટેનું વાસણ અને અથાણું કાઢનારાના હાથ કોરા હોવા જોઈએ. અથાણું બરણીમાંથી કાઢી લીધા પછી બરણી બહારથી સ્‍વચ્‍છ કોરા કપડાથી લૂછવી અને પહેલાંની જેમ બંધ કરી દેવી.

અ ૮. માસિક ધર્મ ચાલુ રહેલી સ્‍ત્રીએ મુખ્‍ય સંગ્રહમાંના અથાણાને સ્‍પર્શ કરવો નહીં. ગ્રહણકાળમાં પણ મુખ્‍ય સંગ્રહમાંના અથાણાને સ્‍પર્શ કરવો નહીં.

કોકણ અથવા સમુદ્રકિનારા પરના પ્રદેશોમાં ભેજવાળી આબોહવાને કારણે અથાણાને ફૂગ આવવાનું પ્રમાણ અન્‍ય પ્રદેશ કરતાં થોડું વધારે હોય છે. તેથી આવા સ્‍થાનો પર અથાણા ઉષ્‍ણ અને કોરી આબોહવાની તુલનામાં થોડા ઓછા ટકે છે.’

– સૌ. અર્પિતા દેશપાંડે, સનાતન આશ્રમ, મિરજ (ફેબ્રુઆરી ૨૦૧૯) અને શ્રી. પ્રસાદ મ્‍હૈસકર, રત્નાગિરી (૮.૮.૨૦૧૯)

 ૩ અ ૫ એ ૨. ટમેટાનો ‘સૉસ’
ટમેટાનો સૉસ

‘વિનેગર (પદાર્થ ટકાવવા માટે તેમાં નાખવાનું અતિશય ખાટું દ્રાવણ) ન નાખેલો ટમેટાનો ‘સૉસ’ શીતકબાટમાં રાખવાથી ૧ વર્ષ ટકે છે. વિનેગર નાખેલો ‘ટમેટાનો સૉસ’ શીતકબાટની બહાર રાખીએ તો ૬ માસ ટકે છે અને શીતકબાટમાં લગભગ દોઢ-બે વર્ષ ટકી શકે છે.

૩ અ ૫ ઐ. ચટણી, મેથકૂટ ઇત્‍યાદિ પદાર્થ

૩ અ ૫ ઐ ૧. કેરી, આમળા અને આંબલીની લીલી ચટણી
ચટણી
અ. કેરીની ચટણી

ખાંડનો ગોળીબંધ પાક કરવો. તેમાં આવશ્‍યક તે મસાલાના પદાર્થ અને બાફેલી કાચી કેરી નાખીને ચટણી કરવી. આવી ચટણી મધ્‍યમ પાકેલી કેરીની પણ કરી શકાય છે અને ખાંડને બદલે ગોળનો પાક કરી શકાય છે.

આ. આમળાની ચટણી

કેરીની જેમજ આમળાની ચટણી પણ કરી શકાય છે.

ઇ. આંબલીની ચટણી

આંબલી અર્ધો કલાક પાણીમાં પલાળી રાખવી ત્‍યાર પછી તેનો રસ કાઢી લેવો. ગોળ અથવા ખાંડનો ગોળીબંધ પાક કરીને તેમાં આંબલીનો રસ, મરચું, મીઠું, થોડી મરીની ભૂકી અને ધાણા-જીરાનો પાવડર નાખીને તે મિશ્રણ સારી રીતે ઉકાળી લેવું. સર્વ એકજીવ થાય એટલે ‘ગૅસ’ બંધ કરવો.

આ ચટણીઓ ઠરી જાય કે કાચની બરણીમાં ભરી રાખવી. આ ચટણી શીતકબાટમાં રાખવાથી દોઢ વર્ષ ટકે છે, જ્‍યારે શીતકબાટ વિના એક વર્ષ ટકે છે.’

– સૌ. અર્પિતા દેશપાંડે, સનાતન આશ્રમ, મિરજ. (ફેબ્રુઆરી ૨૦૧૯)

૩ અ ૫ ઐ ૨. વિવિધ પ્રકારની કોરી ચટણી અને  મેથકૂટ
કોરી ચટણી

‘શીંગદાણા, તલ, જવ, છોલેલા ચણા, કોપરું ઇત્‍યાદિની ચટણી કરી શકાય છે. મેથકૂટ ભાત પર નાખીને ખાઈ શકાય છે. આ પદાર્થ કોરા હોવાથી સામાન્‍ય રીતે ૩ માસ ટકે છે.’ – શ્રીમતી ક્ષમા રાણે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (જાન્‍યુઆરી ૨૦૨૦)

૩ અ ૫ ઓ. ફરફર, પાપડ ઇત્‍યાદિ પદાર્થ

વડીઓ

આ પદાર્થ સામાન્‍ય રીતે એક વર્ષ ટકે છે.

૧. વડીઓ

અ. તરબૂચનો ધોળો અથવા લીલો ભાગ, દૂધી, કોળું, પપૈયા, કોબી આ રીતે વિવિધ પ્રકારના શાકભાજી તેમજ સોયાબીનની વડીઓ

આ. સક્કરિયાની વડીઓ અને જુવારની ધાણીની વડીઓ

ઇ. મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ, મઠની દાળ ઇત્યાદિ દાળોની પણ વડીઓ કરી શકાય છે. આ દાળો એકત્રિત કરીને પણ વડીઓ કરી શકાય છે.

વડીઓનું શાક પણ બનાવી શકાય છે. દૂધીની વડી કરતી વેળાએ તેમાં મીઠું નાખવું નહીં; કારણકે મીઠું નાખવાથી શાક ચડવામાં અડચણ આવે છે. જમતી વેળાએ સ્‍વાદ તરીકે નાખવા માટે જો વડીઓ કરવી હોય, તો તેમાં મીઠું નાખવું.’

– સૌ. છાયા વિવેક નાફડે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (મે ૨૦૨૦)

૨. ચેવડો (ખમણેલો)

ખમણેલા સક્કરિયા અને ખમણેલા બટેટાનો ચેવડો

 ૩ . પાપડ
પાપડ

અડદ, મગ, ચોખા, નાચણી, પૌંઆના પાપડ તેમજ ફણસના પાપડ

૪. જુવાર, ચોખા, સાબુદાણા અને બટેટાની તેમજ ઘઉંની ફરફર
૫ . દહીંમાંના મરચાં (સૂકવેલા)

– સૌ. અર્પિતા દેશપાંડે, સનાતન આશ્રમ, મિરજ

૩ અ ૫ ઔ. તરસ અને થોડા પ્રમાણમાં ભૂખ શમે એવા પીણાં

૩ અ ૫ ઔ ૧. લિંબુ, સંતરા અને મોસંબીનાં પીણાં

લિંબુના રસમાં સમ પ્રમાણમાં ખાંડ ઉમેરીને તે કાચની બરણીમાં ભરવું અને ખાંડ પૂર્ણ રીતે ઓગળે ત્‍યાં સુધી તે તડકામાં મૂકવું. તડકાની તીવ્રતા અનુસાર ખાંડ ઓગળવા માટે લગભગ ૧૫ થી ૩૦ દિવસ લાગે છે.

લિંબુના પીણાંની જેમજ સંતરા અને મોસંબીનાં પણ પીણાં કરી શકાય છે. આ પીણાં શીતકબાટ વિના ૨ – ૩ વર્ષ ટકે છે. આ પીણાં શીતકબાટમાં રાખવાથી તેનો સ્‍વાદ પલટાય છે; તેથી તે શીતકબાટમાં રાખતા નથી.

૩ અ ૫ ઔ ૨. કેરીનું સરબત

કાચી કેરી બાફીને તેનો ગર કાઢી લેવો અને તેમાં ખાંડ કે ગોળ નાખીને તેનું સરબત કરી શકાય છે. આ કાચની બરણીમાં ભરીને શીતકબાટમાં મૂકવું. તે એકથી દોઢ વર્ષ સુધી ટકે છે.

આ રીતે પ્રાંત અનુસાર (ઉદા. કોકણમાં ‘કોકમ સરબત’) અને ફળોની ઉપલબ્‍ધતા અનુસાર જુદા જુદા ફળોના ટકી શકનારાં પીણાં બનાવી શકાય છે.’

– સૌ. અર્પિતા દેશપાંડે, સનાતન આશ્રમ, મિરજ. (ફેબ્રુઆરી ૨૦૧૯)

૩ અ ૫ અં. વધારે પૌષ્ટિક તત્વો ધરાવનારા
બિસ્‍કિટ, સાધારણ એક વર્ષ ટકનારી ‘ચૉકલેટ્‍સ’,  સુકો મેવો ઇત્‍યાદિ પદાર્થ

શેલ્‍ફ લાઈફ ચૉકલેટ્‍સ

આપત્‍કાળમાં ક્યારેક અચાનક સ્‍થળાંતર કરવું પડે છે અને ત્‍યાં કાંઈક કારણોસર અટવાઈ રહેવું પડે છે. આવા સમયે ક્યારેક જમવા માટે અન્‍ન પણ ઉપલબ્‍ધ થતું નથી. આવા સમયે ઉપર જણાવેલા પદાર્થોનો વધારે સારી રીતે ઉપયોગ થઈ શકે છે.

સંદર્ભ : સનાતનની  ગ્રંથમાલિકા ‘આપત્‍કાળમાનું જીવનરક્ષણ’ (મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ)’

(સદર લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)

આપત્‍કાળમાં  જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૪
સંકલક : પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે

Leave a Comment