સૂતી વેળાએ શરીરની સ્‍થિતિ કેવી હોવી જોઈએ ?

Article also available in :

૧. સામાન્‍ય નિયમ

ઊંઘનો ઉદ્દેશ શરીરને વિશ્રાંતિ મળે, એ હોય છે. આ દૃષ્‍ટિએ ‘જે સ્‍થિતિમાં શરીરને વધારેમાં વધારે આરામ મળે, તે ઊંઘની સ્‍થિતિ સારી’, આ સામાન્‍ય નિયમ છે. પ્રત્‍યેકની પ્રકૃતિ અને તાત્‍કાલીન સ્‍થિતિ અનુસાર આરામદાયક સ્‍થિતિ અલગ અલગ હોઈ શકે છે. આપણે કઈ સ્‍થિતિમાં સૂવું, એ ઊંઘ લાગે ત્‍યાં સુધી જ આપણા હાથમાં હોય છે. ઊંઘ લાગી ગયા પછી શરીરની સ્‍થિતિ આપણા નિયંત્રણમાં હોતી નથી.

 

૨. ઊંઘવાની વિવિધ સ્‍થિતિઓનું વિવેચન

ઊંઘવાની ચાર સ્‍થિતિઓ હોઈ શકે છે. તેનો ઊહાપોહ –

૨ અ. ઊંધું (પેટ પર) સૂવું

નવજાત બાળકો અને નાના બાળકોને આ સ્‍થિતિમાં સૂવડાવવાથી તેમનો શ્‍વાસ ગૂંગળાઈ જવાની સંભાવના હોય છે. તેથી તેમને ઊંધા ન સૂવડાવવું. ઊંધા સૂવાથી પીઠના મણકા પર અન્‍ય સ્‍થિતિની તુલનામાં વધારે તાણ આવે છે.

૨ આ. ચત્તું (પીઠ ટેકવીને) સૂવું

આપણે જ્‍યારે ઊભા હોઈએ છીએ, ત્‍યારે આપણી પીઠના મણકાઓ પર આવનારું દબાણ ૧૦૦ ટકા, એમ ધારી લઈએ તો ચત્તા સૂઈ ગયા પછી આ દબાણ ૭૫ ટકા ઓછું થઈને ૨૫ ટકા જેટલું જ રહે છે. ચત્તા સૂવાથી પીઠના મણકા પર સૌથી ઓછું દબાણ આવતું હોવાથી પીઠના મણકા સાથે સંબંધિત વિકાર ધરાવતાઓને ચત્તા સૂવાથી લાભ થાય છે. ચત્તા સૂઈને ગોઠણની નીચે નાનું ઓશીકું લેવાથી પીઠની કરોડરજ્‍જુને હજી વધારે આરામ મળે છે.

૨ આ ૧. ચત્તા સૂવાનો અને ઘોરવાનો સંબંધ

જેમને ઘોરવાની ટેવ છે, તેમનું ઘોરવું ચત્તા સૂવાથી વધે છે. ઊંઘમાં જ્‍યારે ગળાની અંતસ્‍ત્‍વચા (અંદરની ત્‍વચા) શિથિલ થઈને શ્‍વસનમાર્ગમાં નડતર નિર્માણ થાય છે, ત્‍યારે ઘોરવાનું ચાલુ થાય છે. ચત્તા સૂવાથી શ્‍વસનમાર્ગમાં અડચણ નિર્માણ થવાનું પ્રમાણ વધે છે. પડખે સૂવાથી શિથિલ થયેલી અંતસ્‍ત્‍વચા શ્‍વસનમાર્ગથી આઘી જવાથી ઘોરવાનું રોકાય છે. તેને કારણે પડખે વળ્યા પછી ઘોરવાનું ઓછું થવાનો અનુભવ અનેક લોકોને આવે છે.

૨ ઇ. પડખે સૂવું

પડખે સૂવાની સ્‍થિતિમાં મણકાઓ પર ઊભા રહેવાની તુલનામાં ૭૫ ટકા દબાણ હોય છે. જમણા પડખે સૂવાથી ચંદ્રનાડી, જ્‍યારે ડાબા પડખે સૂવાથી સૂર્યનાડી ચાલુ થવામાં સહાયતા થાય છે.

प्राक्शिरा दक्षिणाननो दक्षिणशिराः प्रागाननो वा स्वपेत् ।

– આચારેન્‍દુ, શયનવિધિ પ્રયોગ

અર્થ : પૂર્વ ભણી અથવા દક્ષિણ ભણી માથું કરીને પડખે સૂવું.

પડખે સૂવું, એવું ધર્મશાસ્‍ત્રમાં કહ્યું હોવાથી વિશિષ્‍ટ કારણ માટે અન્‍ય સ્‍થિતિમાં સૂવાની આવશ્‍યકતા નથી, તેઓએ પડખે સૂવું જ વધારે યોગ્‍ય છે.

प्राक्शिरः शयने विद्यात् धनम् आयुश्च दक्षिणे ।
पश्चिमे प्रबला चिन्ता हानिमृत्युरथोत्तरे ।।

– આચારમયૂખ

અર્થ : ‘પૂર્વ ભણી માથું કરીને સૂવાથી ધન, જ્‍યારે દક્ષિણ ભણી માથું કરીને સૂવાથી આયુષ્‍ય પ્રાપ્‍ત થાય છે. પશ્‍ચિમ ભણી માથું કરીને સૂવાથી ચિંતા વધે છે, જ્‍યારે ઉત્તર ભણી માથું કરીને સૂવાથી હાનિ અથવા મૃત્‍યુ થાય છે.

૨ ઇ ૧. પડખે સૂવાથી થનારી પ્રક્રિયા

જ્‍યારે આપણે પડખા પર સૂઈ જઈએ છીએ, ત્‍યારે નીચેની બાજુએ રહેલું નસકોરું ધીમે ધીમે બંધ થવા લાગે છે. તે ચોક્કસ ક્ષમતા સુધી બંધ થાય, કે આપણે પડખું ફેરવીએ છીએ. તેને કારણે ધીમે ધીમે તે નસકોરું ખુલીને, બીજું, એટલે કે પડખું ફરવાથી નીચે ગયેલું નસકોરું બંધ થવા લાગે છે. નસકોરાંના એક પછી એક બંધ થવાથી આપણે ઊંઘમાં પડખા ફેરવતા રહીએ છીએ.

૨ ઈ. ઊંઘમાં સ્‍થિતિ ફેરવાતી હોવાથી થનારા લાભ

આપણે પ્રતિદિન દિવસનો એક ચતુર્થાંશ સમય ઊંઘીએ છીએ. પ્રતિદિન આટલો સમય એકજ સ્‍થિતિમાં રહેવાથી ત્‍વચા પર દબાણજન્‍ય વ્રણ (બેડસોઅર્સ) નિર્માણ થાય છે. ઊંઘમાં આપણી સ્‍થિતિ વચ્‍ચે વચ્‍ચે પલટાતી હોવાથી શરીરના એકજ ભાગ પર વધારે સમય દબાણ આવતું નથી. તેથી ત્‍વચા પર દબાણજન્‍ય વ્રણ (બેડસોઅર્સ) થતા નથી.’

 વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૫.૧૨.૨૦૧૮)

Leave a Comment