કવળે, ગોવા સ્‍થિત નયનમનોહારી અને જાગૃત શ્રી શાંતાદુર્ગાદેવસ્‍થાન !

Article also available in :

૧. શ્રી શાંતાદુર્ગાદેવીની મનમોહક અને તેજસ્‍વી મૂર્તિ

 

૨. કવળે, ગોવા સ્‍થિત ભવ્‍ય શ્રી શાંતાદુર્ગા દેવસ્‍થાન

માં જગદંબાનું એક રૂપ એટલે ગોવા રાજ્‍યના ફોંડા તાલુકામાં રહેલા કવળે ગામમાં સ્‍થિત શ્રી શાંતાદુર્ગાદેવી ! આ ગોવાનું અત્‍યંત પ્રાચીન, જાગૃત અને પ્રસિદ્ધ મંદિર છે. શ્રી શાંતાદુર્ગાદેવી અને દેવીનાં રૂપો વિશે વિગતવાર જાણકારી પ્રાપ્‍ત કરીએ.

 

૧. શ્રી શાંતાદુર્ગાદેવીની પૌરાણિક કથા

એકવાર કોઈ કારણ માટે શિવ અને શ્રીવિષ્‍ણુમાં યુદ્ધ થયું અને પ્રલય થવાની શક્યતા વધી. ત્‍યારે સમસ્‍ત દેવ, માનવ, ઋષિ ઇત્‍યાદિઓની આર્ત પ્રાર્થનાથી ભગવતી જગદંબા મહાકાયરૂપથી પ્રગટ થયાં અને તેમણે હરિહરને શાંત કરીને બાળસ્‍વરૂપથી બન્‍ને હાથથી બન્‍ને બાજુએ તેડ્યા. ‘कृद्धौ शान्तियुतौ कृतौ हरिहरौ’’ અર્થાત્ ક્રોધાયમાન હરિહરને શાંત કર્યા તેથી જગદંબા ‘શાંતાદુર્ગા’ બન્‍યાં. કર્દલીવન અર્થાત્ આજના  સાસષ્‍ટી તાલુકામાં સ્‍થિત કેળશી આ શાંતાદુર્ગામાતાનું મૂળ સ્‍થાન. અહીં શ્રી શાંતાદુર્ગાદેવીનું મંદિર વર્ષ સોળમા શતકના મધ્‍ય સુધી હતું. પરશુરામ કાળમાં પરશુરામે ગોમંતકમાં લાવેલા દશગોત્રી બ્રાહ્મણોમાંથી કૌશિક ગોત્રી લોમશર્મા નામના બ્રાહ્મણને કર્દળીપુર ગામમાં અગ્રહાર પ્રાપ્‍ત થયો હતો. તેમણે જ કર્દળીપુર ખાતે શ્રી શાંતાદુર્ગાદેવીની સ્‍થાપના કરી, એવી જાણકારી પૌરાણિક ગ્રંથોના આધાર પર મળે છે.

 

૨. શ્રી શાંતાદુર્ગાદેવીના મંદિરનો ઇતિહાસ

કેળશી ખાતેનું શ્રી શાંતાદુર્ગાદેવીનું દેવાલય શેણવી મોને નામના નામાંકિત વેપારીએ બાંધ્‍યું હતું, એવી માહિતી ઐતિહાસિક દસ્‍તાવેજોમાંથી લીધી હોવાનું જોવા મળે છે. ત્‍યાર પછી સોળમી સદીમાં પોર્ટુગીઝોએ સાસષ્‍ટી વિસ્‍તાર પર આક્રમણ કરીને ત્‍યાંના હિંદુઓના દેવતાઓનાં દેવાલયો ધ્‍વસ્‍ત કર્યાં. તે સમયે દેવીના કેટલાક ભક્તોએ દેવીની મૂર્તિ લઈને ફોંડાના કૈવલ્‍યપૂર (કવળે) નામના ગામમાં સ્‍થળાંતર કર્યું. કવળે ખાતે પ્રારંભમાં આ દેવાલય નક્કી અમુક જ વર્ષમાં બાંધવામાં આવ્‍યું હશે, તે વિશેનો પુરાવો અથવા દાખલો તે દેવસ્‍થાનના દસ્‍તાવેજોમાં મળતો નથી. પછીના કાળમાં  અર્થાત્ વર્ષ ૧૭૧૩ પછી અને વર્ષ ૧૭૩૮ના સમયગાળામાં આ દેવાલયની નવી વાસ્‍તુ સજ્‍જડ સ્‍થિતિમાં ઊભી હતી અને તે જ હજી પણ કાયમ છે, આ વાત સિદ્ધ કરનારા દસ્‍તાવેજો મળી આવે છે.

આ દેવાલય બાંધવાની પ્રેરણા શ્રી શાંતાદુર્ગાદેવીએ નારોરામ મંત્રીને આપી. સરદાર નારોરામ શેણવી રેગે સિંધુદુર્ગ જિલ્‍લાના વેંગુર્લા નજીક કોચરે ગામના નિવાસી હતા. તેમને સાતારા ખાતે શાહૂ છત્રપતિના દરબારમાં વર્ષ ૧૭૧૩માં મંત્રીપદ મળ્યું. ‘આપણને દેવીએ આટલું ઐશ્‍વર્ય આપ્‍યું, એવી તેમની દૃઢ શ્રદ્ધા હોવાથી દેવીનું દેવાલય બાંધવું જોઈએ’, એનું તેમને ભાન થયું અને તેમણે વર્ષ ૧૭૩૦ના સમયગાળામાં પોતાના ખર્ચથી વર્તમાનમાં સ્‍થિત શ્રી શાંતાદુર્ગાદેવીનું ભવ્‍ય અને સુંદર મંદિર બંધાવ્‍યું.

 

૩. મંદિરની માહિતી

શ્રી શાંતાદુર્ગાદેવી દેવાલયની સુંદર અને ભવ્‍ય વાસ્‍તુ પૂર્વાભિમુખ છે અને સામે જ નયન મનોહર એવો દીપસ્‍તંભ છે. મંદિર સામે તળાવ છે. મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરવાના મહાદ્વાર પર નગારું વગાડવા માટેનું નગારખાનું છે. ગર્ભગૃહ પર ઘુમટ છે અને તેના પર સોનાનો કલશ છે. દેવાલયના ગર્ભગૃહમાં શ્રી શાંતાદુર્ગાદેવીની ચતુર્ભુજ મૂર્તિ છે. તેમનાં એક હાથમાં શિવજી અને બીજા હાથમાં શ્રીવિષ્‍ણુ છે. આ મૂર્તિ નજીક છ ઇંચ આકારનું કાળા પથ્‍થરનું શિવલિંગ છે. આ દેવાલયની નજીક ડાબી બાજુએ શ્રી નારાયણદેવનું મંદિર છે. તે મંદિરમાં મુખ્‍ય આસન પર શ્રી નારાયણદેવ અને શ્રી ગણપતિની મૂર્તિઓ છે. આ મંદિરની ડાબી બાજુએ પારિજાત વૃક્ષનો ચબૂતરો છે. તેના પર બારાવીર ભગવતીની મૂર્તિ અને એક અજ્ઞાત સંન્‍યાસીની પાદુકાઓ છે. દેવાલયની સામે ક્ષેત્રપાળની શિલા છે. દેવાલયના પાછળના ભાગમાં મ્‍હારૂ દેવની શિલા છે. તેમજ દેવાલય નજીક એક નાના દેવાલયમાં મૂળ પુરુષ કૌશિક ગોત્રી લોમશર્માની પાષાણની મૂર્તિ સ્‍થાપન કરેલી છે.

 

૪. દેવીનો જત્રોત્‍સવ

મહા સુદ પાંચમ આ મહાપર્વણીનો (પવિત્ર) દિવસ છે. મહા સુદ છઠના દિવસે પરોઢિયે મહારથમાંથી શ્રી શાંતાદુર્ગાદેવીની શોભાયાત્રા (સરઘસ) નીકળે છે અને સદર મહાપર્વણીનો મહત્ત્વનો ઉત્‍સવ પૂર્ણ થાય છે. આ સરઘસ કાઢવા પહેલાં રથમાં આરૂઢ થયેલાં દેવીની પૂજા કરીને દેવસ્‍થાનનું નારિયેળ વધેરવામાં આવે છે. આ દેવસ્‍થાનમાં પ્રત્‍યેક માસની સુદ અને વદ બન્‍ને પક્ષની પાંચમનો દિવસ નિત્‍યોત્‍સવનો છે. આ દિવસે રાત્રે પુરાણ-કીર્તન ઇત્‍યાદિ કાર્યક્રમો થયા પછી દેવીનું પાલખીમાંથી સરઘસ કાઢવામાં આવે છે.

 

૫. પ્રાર્થના

સર્વ દુઃખ, પીડા અને સંકટોનું હરણ કરનારાં તેમજ શત્રુનો વિનાશ કરનારાં આ મહાદેવી પૂજકની સર્વ ઇચ્‍છાઓ પૂર્ણ કરનારાં છે. તેથી જ તેમની પૂજા કરનારો અને તેમનો ઉપાસક તેમને પ્રાર્થના કરે છે, ‘હે દેવી મને સદ્‌બુદ્ધિ આપો. મારા જીવનમાં આવનારા સંકટોનું નિવારણ કરો.’ આજના કઠિન કાળમાં માતાજીને બાધા આખડી રાખવાની અનન્‍યસાધારણ આવશ્‍યકતા નિર્માણ થઈ છે.

સંકલક : સૌ. પ્રાજક્તા જોશી, ફળજ્‍યોતિષ વિશારદ, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય

 

માં જગદંબાને કરવાની પ્રાર્થના !

‘હે દેવી, અમે શક્તિહીન બની ગયા છીએ, અમર્યાદ ભોગ ભોગવીને માયાસક્ત બની ગયા છીએ. હે માતા, અમને બળ પૂરું પાડનારાં થજો. તમારી શક્તિ દ્વારા અમે અમારામાં રહેલી આસુરી વૃત્તિનો નાશ કરી શકીશું.’

Leave a Comment