સ્‍વતંત્રતાસૈનિક મોહન રાનડેની સફૂર્તિદાયક કારકિર્દી

મોહન રાનડેનો જન્‍મ વર્ષ ૧૯૨૯માં સાંગલી (મહારાષ્‍ટ્ર) ખાતે થયો. વર્ષ ૧૯૫૦માં તેઓ ગોવા આવ્‍યા. તેઓ ધારાશાસ્‍ત્રી હતા અને મરાઠી શિક્ષક પણ હતા. સ્‍વતંત્રતાસૈનિક ગણેશ દામોદર સાવરકર અને વિનાયક સાવરકર દ્વારા પ્રેરણા લઈને તેઓ સ્‍વતંત્રતા-સંગ્રામમાં સહભાગી થયા. પોર્ટુગીઝ વસાહતવાદી રાજવટમાંથી ગોવા સ્‍વતંત્ર કરવા માટે ચલાવેલા મુક્તિસંગ્રામમાંના ‘આઝાદ ગોમંતક દળ’ના નેતા તરીકે રાનડેનો પરિચય હતો. પોર્ટુગીઝ પોલીસ થાણા પર તેમણે સશસ્‍ત્ર આક્રમણ કર્યું હતું. અંતમાં વર્ષ ૧૯૫૫માં બાર્દેંશ તાલુકાના બેતી સ્‍થિત પોલીસ ચોકી પર કરેલા આક્રમણમાં તેઓ ઘાયલ થવાથી પોર્ટુગીઝ પોલીસે તેમની ધરપકડ કરી. તેમને પોર્ટુગલ ખાતે ૨૬ વર્ષની શિક્ષા ફટકારવામાં આવી.

ગોવા મુક્તિ પછી પણ તેમને ૧૪ વર્ષ કારાવાસ ભોગવવો પડ્યો. રાનડેની મુક્તિ માટે તત્‍કાલિન વિરોધપક્ષ નેતા અટલબિહારી બાજપેયીએ સંસદમાં અવાજ ઊઠાવ્‍યો હતો. માજી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ રાનડેની મુક્તિ માટે પ્રયત્ન કર્યા. તામિલનાડુના તત્‍કાલિન મુખ્‍યમંત્રી અન્‍નાદુરાય એકવાર વ્‍હેટીકન સિટી ગયા હતા. આ સમયે તેમણે મોહન રાનડેને કેદમાંથી છૂટકારો મળે તે માટે પોર્ટુગલ સરકાર પર દબાણ લાવવાની વિનંતિ પોપ પૉલ-૬ પાસે કરી હતી. પોપ પૉલ-૬ના પ્રયત્નોને કારણે મોહન રાનડે છૂટી ગયા. ૨૫ જાન્‍યુઆરી ૧૯૬૯ અર્થાત્ પ્રજાસત્તાકના એક દિવસ પહેલા તેમને છોડી દીધા. ત્‍યાર પછી મોહન રાનડે પુના ખાતે રહેતા હતા. આર્થિક દૃષ્‍ટિએ નબળા લોકોને શિક્ષણ પ્રદાન કરનારી એક ધર્માદાય સંસ્‍થા તેઓ ચલાવી રહ્યા હતા.

 

૧. મોહન રાનડેને મળેલા વિવિધ પુરસ્‍કાર

મોહન રાનડેને વર્ષ ૨૦૦૧માં પદ્મશ્રી પુરસ્‍કાર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા. વર્ષ ૨૦૦૬માં તેમને ‘સાંગલી ભૂષણ’ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા. તેમના સામાજિક કાર્ય વિશે તેમને વર્ષ ૧૯૮૬માં ‘ગોવા પુરસ્‍કાર’થી સન્‍માનિત કરવામાં આવ્‍યા. મોહન રાનડેએ ‘ગોવા રેડ ક્રૉસ સોસાયટી’નું અધ્‍યક્ષપદ ૫ વર્ષ સુધી વિભૂષિત કર્યું છે. તેમણે ગોવા મુક્તિ સંગ્રામ વિશે ‘સમાપ્‍ત ન થાય તેવો સંગ્રામ’ અને ‘સતીનું વાણ’, આ બે પુસ્‍તકો લખ્‍યા છે.

 

૨. ક્રાંતિકારી મોહન રાનડેને
આદરાંજલિ ! હે શૂરવીર તને પ્રણામ !

ગોવા મુક્તિસંગ્રામમાંના અગ્રણી સ્‍વતંત્રતાસૈનિક મોહન રાનડેનું ૨૫ જૂન ૨૦૧૯ની પરોઢિયે નિધન થયું. જુલમી પોર્ટુગીઝોની રાજવટમાંથી ગોમંતકિયોને મુક્ત કરવા માટે ઉપાડેલી અહિંસક લડત જ્‍યારે ક્રૂર પોર્ટુગુઝો સામે અપયશી પુરવાર થઈ, ત્‍યારે સશસ્‍ત્ર ક્રાંતિની લડાઈમાં પોતાને હોમી દઈને પોર્ટુગીઝોના મનમાં ધ્રાસ્‍કો નિર્માણ કરનારા અનેક ક્રાંતિકારીઓ ગોવામાં થઈ ગયા. મોહન રાનડે તેમાંના એક અગ્રણી ક્રાંતિકારી ! તેમનું શૌર્ય, સાહસિકતા ઇત્‍યાદિ ગુણો ગોવા ખાતેની યુવાન પેઢીને સમજાય તે માટે સશસ્‍ત્ર ક્રાંતિલડતમાંના કેટલાક પ્રસંગો અત્રે આપી રહ્યા છીએ.

ગોવા વિમોચન સમિતિ અને ગોવા કૉંગ્રેસ નિઃશસ્‍ત્ર આંદોલન પર ભાર મૂકનારા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ૧૫ ઑગસ્‍ટ ૧૯૫૫ના દિવસે ગોવા મુક્તિ માટે અનેક સત્‍યાગ્રહ થયા. તે પોર્ટુગીઝ સરકારે દંડનીતિ આદરીને કચડી નાખ્‍યા. સત્‍યાગ્રહ ચળવળ બંધ પડી છે એમ જોયા પછી સશસ્‍ત્ર ક્રાંતિ પર વિશ્‍વાસ ધરાવનારા આઝાદ ગોમંતક દળે તેમની સશસ્‍ત્ર કાર્યવાહીઓ વધારી. તેમની પાસેનો દારૂગોળો ખૂટવામાં હતો. તે દરમ્‍યાન કેટલાક શસ્‍ત્રાસ્‍ત્રો પોર્ટુગીઝોએ પકડી પાડ્યા હતા. તેથી દારૂગોળો મેળવવો આવશ્‍યક હતો; પરંતુ તે દરમ્‍યાન મોટાભાગની ખાણો પરનો દારૂગોળો પોર્ટુગીઝ સરકારે પોતાના નિયંત્રણમાં લીધો હતો.

તેથી આઝાદ ગોમંતક દળને પ્રશ્‍ન હતો કે, દારૂગોળો ક્યાંથી મેળવવો ? આસ્‍નોડા પાસે રહેલા શિરગાવ ખાતે ચૌગુલે કંપનીની ખાણો પર દારૂગોળો છે અને તેમણે ખાસ ગોદામ  બંધાવીને ઘણા સુરક્ષા-રક્ષકોની ચોકી રાખીને પાકો બંદોબસ્‍ત કર્યો છે, આ વૃત્ત દળનેતાઓને જ્ઞાત થયું. Impossible is the word found in the dictionary of fools, (અશક્ય આ શબ્‍દ મૂર્ખલોકોના શબ્‍દકોષમાં હોય છે) એવું માનનારા નેતાઓને તે સમાચારથી સ્‍ફૂરણ ચઢ્યું. સહજ સંભવ હોય, તેવી બાબતો કોઈપણ કરી શકે; પણ અસંભવ રહેલી બાબતો કરીએ, તો જ ખરો પુરુષાર્થ થાય, એવું માનનારા દળનેતાઓએ આ આવાહન સ્‍વીકાર્યું.

 

૩. યોજનાબદ્ધ નિયોજન દ્વારા ખાણ પરનો દારૂગોળો જપ્‍ત

ક્રાંતિકારી પ્રભાકર સિનારીને આ અભિયાનનું નેતૃત્‍વ કહેવામાં આવ્‍યું. તેમણે પડોશના ગામમાંથી કાર્યકર્તાઓ તો લીધા જ; પણ વઝરે, તળેખોલ, કણકુંબી, નેતર્ડા, શિવોલી, પોંબુર્ફા, એવા અનેક કેંદ્રો પરના ચુનંદા એવા દળસૈનિકો પસંદ કર્યા. વ્‍યૂહરચના કરી. તે અનુસાર ૩ ઑક્‍ટોબર ૧૯૫૫ના દિવસે સર્વ લોકો રાત્રિના સમયે પૈરા ખાતે ભેગા થયા. ત્‍યાં બાજુમાં જ રહેલી ‘બોબદેયાર’ આ વિસ્‍તારની એક ગુફામાં તે લોકો ભેગા થયા.

રાત્રે લગભગ ૯ કલાકે બધા નીકળ્યા. કોણે શું કરવાનું છે, તે પહેલેથી જ નક્કી કર્યું હતું. શસ્‍ત્રાસ્‍ત્ર મૂકેલી કોઠીની સામે રહેલા રક્ષકને તે કાંઈ હિલચાલ કરે તે પહેલાં જ નિયંત્રણમાં લીધો. તેને બાંધી રાખ્‍યો. આગળ બીજા ૩ સુરક્ષારક્ષકો હતા. તેઓ ડરી ગયા અને શરણ આવ્‍યા. તેમને પણ બાંધી રાખવામાં આવ્‍યા. ઘણા પ્રયત્ન અંતે તાળું તોડવામાં યશ મળ્યું. બારણું ધક્કો દઈને ખોલવામાં આવ્‍યું. અંદર જિલેટીન રહેલી લગભગ ૩૫-૪૦ પેટીઓ બહાર કાઢવામાં આવી. કોઠારમાં ડીટોનેટર નહોતા. તેથી તે કોઠારને ધ્‍વસ્‍ત કરવાની યોજના રદ કરવામાં આવી અને તે સુરક્ષારક્ષકોને અંદર ધકેલી દઈને બહારથી બારણું બંધ કરીને બધા ત્‍યાંથી પસાર થયા.

પછી નાના નાના જૂથ કરીને તેઓ આ લૂંટ શિરગાવથી અસ્‍નોડા લઈ ગયા અને ત્‍યાંથી તેઓ વઝેર જવા નીકળ્યા. આ અભિયાનમાં પાછળ રહેલાઓને એક જીપનો અવાજ આવ્‍યો. મોટાભાગના લોકોએ અસ્‍નોડા-ડીચોલી રસ્‍તો પાર કર્યો હતો; પણ આવનારી જીપ કોની ? તેમાં કેટલા લોકો હશે ? તેની કાંઈ જ કલ્‍પના ન હોવાથી જીપ નજીક આવતાં જ મોહન રાનડે, બાળકૃષ્‍ણ ભોસલે અને કાન્‍હોબા નાઈકે જીપ પર ગોળીબાર કર્યો અને તેઓ આગળ ચાલ્‍યા ગયા. જીપ પોલીસની નહોતી જ. તે હતી ચૌગુલે કંપનીમાં કામ કરનારા રશિયન તંત્રજ્ઞને લઈ જનારી. તેમાં તે અને તેનાં પત્ની હતાં. તેને તે ગોળી લાગી. જીપ પૂરપાટ આગળ નીકળી ગઈ. આ બધા દળસૈનિકો જંગલમાર્ગે પરોઢિયે ૫ કલાકે વઝેર ખાતે યશસ્‍વી રીતે પહોંચી ગયા. અચૂક નિયોજનને કારણે યોજના યશસ્‍વી નીવડી.

 

૪. દશેરાને દિવસે બેતીની પોલીસચોકી પર આક્રમણ

તે વર્ષે દશેરાના દિવસે બેતીની પોલીસચોકી પર આક્રમણ કરીને અમે પણજી ખાતે ગમે ત્‍યારે આવી પહોંચીશું, એવું કૃતિ કરીને બતાવવું, એવી યોજના મોહન રાનડે અને તેમના સહકારીઓએ કરી. મોહન રાનડેએ વાળ વધાર્યા, દાઢી વધારી હતી. તેઓ પોંબુર્ફાના કેંદ્રમાંથી સવારે મ્‍હાપસા ગયા. ત્‍યાં તે મહાબળેશ્‍વર નાઈકના ઘરે રહ્યા. ત્‍યાં બપોરે ભોજન, વિશ્રાંતિ થયા પછી મોહન રાનડેએ વાળંદને ત્‍યાં જઈને વાળ ઉતાર્યા, દાઢી કરી અને એકાદ યુરોપીયન યુવાનની જેવો પહેરાવ કર્યો. તેઓ રૂપાળા તો હતા જ, તે સિવાય પશ્‍ચિમી ઢબના કપડાં, તેથી એકાદ યુરોપીયન જેવા જ દેખાવા લાગ્‍યા. લોકો તેમને ઓળખી શક્યા નહીં. તેમના પહેરવેશનું વર્ણન શું કરું ? શિવલિંગ ભોસલેની પેંટ, મહાબળેશ્‍વર નાઈકનો શર્ટ, બાળકૃષ્‍ણ ભોસલેનો કોટ, શ્રીકાંત નાઈકના બૂટ, આ રીતે પહેરવેશ, ‘સાલા મૈં તો સાહબ બન ગયા’ એવો ઠાઠમાઠ !

ખિસામાં પિસ્‍તોલ રાખીને શ્રી. મોહન રાનડે નીકળ્યા. ટૅક્સીથી બેતી આવ્‍યા. ત્‍યાં પોલીસ ચોકી પાસે જઈને કેટલા સૈનિક છે, તેની નિશ્ચિતિ કરી અને ફરી ભાડાની ટૅક્સી લઈને તે પોંબુર્ફા આવ્‍યા. ગામ બહાર કાંબળો ઓઢીને બાળા (સાવંત) પર્યેકર હતા. ટૅક્સી રોકીને તેણે સંકેત કર્યો અને બાજુના ખેતરમાં ઘાંસમાં છૂપાઈ બેઠેલા મનોહર પેડણેકર, શિવલિંગ ભોસલે, સુખા શિરોડકર, રઘુનાથ શિરોડકર, બાળકૃષ્‍ણ ભોસલે આ બધા ગાડીમાં બેઠા. ગાડી બેતી પહોંચ્‍યા પછી તેઓ નીચે ઉતર્યા. કોણે શું કરવાનું છે, તે પહેલેથી નક્કી જ હતું. બાળાએ આવનારા-જનારા પર ધ્યાન રાખવાનું. મનોહર, શિવલિંગ, સુખા, રઘુનાથે ચારેકોર ધ્‍યાન રાખવાનું, બાળકૃષ્‍ણ ભોસલે અને રાનડેએ અંદર જવાનું.

 

૫. ગઢ આવ્‍યો; પણ સિંહ.. !

સહુકોઈએ પોતપોતાના કામ કરવાનો આરંભ કર્યો. બરાબર તે જ સમયે કેવળ બાળકૃષ્‍ણ ભોસલે આગળ જવાને બદલે પાછળ રહી ગયા અને તેમણે મોહન રાનડેને આગળ જવા માટે કહ્યું. તેમણે પ્રવેશ કરીને સ્‍ટેનગનથી હવામાં ગોળીબાર કરીને પોલીસને હાથ ઉપર કરવાની ફરજ પાડી. બધા જ પોલીસોએ હાથ ઉપર કર્યા. એટલામાં હેડકૉન્‍સ્‍ટેબલ અંદર જવાનો પ્રયત્ન કરવા લાગ્‍યો. લાત મારીન તેને બહાર કાઢીને મોહન રાનડે અંદર ગયા. બહાર તગેડેલા હેડકૉન્‍સ્‍ટેબલે સ્‍ટેનગન લઈને રાનડે પર ગોળીબાર કર્યો. રાનડે બાજુએ હટી ગયા. તેમણે હેડકૉન્‍સ્‍ટેબલ પર ગોળી ચલાવી. તેમાં તે ઘાયલ થયો, નીચે પડ્યો. તેવી જ અવસ્‍થામાં તે ઊઠીને ફરીવાર રાનડે સાથે ભાથ ભીડવા લાગ્‍યો. રાનડેના હાથમાંથી સ્‍ટેનગન આંચકી લેવાનો પ્રયત્ન કરવા લાગ્‍યો. રાનડેએ તેને ફરીવાર ધકેલ્‍યો અને ગોળીબાર કરીને પતાવી દીધો.

આ બધી ધમાલમાં રાનડેને પણ ગોળી લાગી હતી. તેઓ પણ નીચે પડ્યા. એટલામાં સાથીદાર આવ્‍યા. તેમણે થાણામાંના સર્વ શસ્‍ત્રો ભેગા કર્યા. સર્વ લોકો બહાર નીકળતા હતા ત્‍યારે રાનડેને હાથમાં અને પેટમાં ગોળી લાગી હોવાનું તેમને ધ્‍યાનમાં આવ્‍યું. સાથીદાર તેમને ઊઠાડવાનો પ્રયત્ન કરતા હતા; પણ તેમનાથી ઊઠાતું નહોતું. રાનડેએ સહુકોઈને પાછા જવા માટે કહ્યું. તેઓ જવા માટે સિદ્ધ નહોતા; પણ રાનડેએ આગ્રહ કર્યો. તેથી તેઓ શસ્‍ત્રાસ્‍ત્રો લઈને નીકળી ગયા. બેશુદ્ધ થયેલા રાનડેની પોલીસે ધરપકડ કરીને રાયબંદર ખાતે રુગ્‍ણાલયમાં ભરતી કરી. તે અવસ્‍થામાં પણ પોલીસ તેમને બેડીઓ પહેરાવવાનું ભૂલ્‍યા નહોતા. આ અભિયાન સારું એવું યશસ્‍વી બન્‍યું પણ સંપૂર્ણ રીતે નહીં.

  (સંદર્ભ : રાષ્‍ટ્રીય કીર્તનકાર હ.ભ.પ. ઉદયબુવા ફડકેનો ગ્રંથ ‘ક્રાંતિગાથા આ અપરાન્‍તની’)

Leave a Comment