પોતાનું મૃત્યુપત્ર બનાવો અને એનો લાભ લો !

એડ્. રામદાસ કેસરકર
એડ્. રામદાસ કેસરકર

વર્તમાનમાં અસુરક્ષિત વાતાવરણ, નિષ્ક્રિય પ્રશાસકીય તંત્ર અને આગામી આપત્કાળનો વિચાર કરીએ, તો આજીવન કષ્ટ સહન કરીને તમે જે સંપત્તિ ભેગી કરી છે, તેનો ઉપભોગ તમારા પછી કોણ અને કેવી રીતે કરશે ?, તે બાબતનો નિર્ણય ઇચ્છાપત્ર (મૃત્યુપત્ર) દ્વારા સ્પષ્ટ કરવાનું યોગ્ય લાગે છે. તેના દ્વારા તમારી ચિંતા મટી જશે કે મારા પશ્ચાત મારી સંપત્તિનું શું થશે ?

૧. તમારા પશ્ચાત, તમારી સંપત્તિને લઈને કુટુંબીજનોમાં થનારા વિવાદ અને તેને કારણે થનારા ત્રાસ ટાળી શકાશે.

૨. તમારા પરિશ્રમથી ભેગી કરેલી સંપત્તિ તમારા પશ્ચાત યોગ્ય વ્યક્તિને મળશે, એ વિશ્વાસ હોવાથી મનને સંતોષ થશે.

૩. તમારો કોઈ ઉત્તરાધિકારી અથવા અન્ય સંબંધી, જેની સાથે કોઈ કારણવશ તમે સંબંધો તોડી નાખ્યા હતા, આવા લોકો મૃત્યુપત્ર સિદ્ધ થઈ જાય પછી, તમારી સંપત્તિ હડપ કરી શકશે નહીં.

૪. ઇચ્છાપત્ર ન બનાવવાથી કોઈ દુર્વ્યસની પુત્ર અથવા સંબંધી તમારા મૃત્યુ પછી સંપત્તિ પર પોતાનો અધિકાર જમાવશે. ત્યારે કોર્ટકચેરીનો અનાવશ્યક ત્રાસ તમારા અન્ય કુટુંબીઓને ભોગવવો પડશે.

૫. અનેક લોકોની આર્થિક સ્થિતિ પ્રારંભથી સારી હોતી નથી. તેથી તેઓ ઇચ્છા હોવા છતાં પણ ધાર્મિક અને સામાજિક કાર્યો માટે દાન આપી શકતા નથી. આવા લોકો આર્થિક સુસ્થિતિ થવા પર પોતાની સંપત્તિનો ઇચ્છિત ભાગ ઇચ્છાપત્રના માધ્યમ દ્વારા આ કાર્યો માટે આપી શકે છે.

૬. આજકાલ, વિભક્ત કુટુંબપદ્ધતિ છે. આવા સમયમાં, મૃત્યુ પછી સંપત્તિની યોગ્ય વહેંચણી તેમજ કારણવિના અને અનપેક્ષિત આયકર (કરવેરાની) મુશ્કેલીઓથી બચવા માટે ઇચ્છાપત્ર મહત્ત્વપૂર્ણ સાધન છે.

૭. તમારે જો કોઈ સગાંસંબંધી ન હોય, તો તમારા પશ્ચાત તમે તમારી સંપત્તિ કોને આપવા માંગો છો, આ વાતની વ્યવસ્થા મૃત્યુપત્રમાં કરી શકો છો.

મૃત્યુપત્ર કાયદેસર અને સુરક્ષિત હોવા વિશે મહત્ત્વપૂર્ણ સૂત્ર !

૧. મૃત્યુપત્ર હસ્તલિખિત અથવા ટંકલિખિત કરેલો હોવો જોઈએ.

૨. મૃત્યુપત્ર પર મૃત્યુપત્રકર્તાના હસ્તાક્ષર હોવા આવશ્યક છે. આ રીતે જ, તેના પર બે સાક્ષીદારોના હસ્તાક્ષર પણ હોવા જોઈએ.

૩. મૃત્યુપત્રકર્તા શારીરિક અને માનસિક સ્તર પર મૃત્યુપત્ર બનાવવા માટે સક્ષમ છે, આ વાતનું વૈદ્યકીય પ્રમાણપત્ર મૃત્યુપત્ર સાથે જોડવું આવશ્યક છે.

૪. મૃત્યુપત્રનું પંજીકરણ ઉપનિબંધક કાર્યાલયમાં થવું આવશ્યક છે.

૫. મૃત્યુપત્રની સુરક્ષા વિશે નિમ્નાંકિત બાબતો ધ્યાનમાં લો –

અ. મૃત્યુપત્રની મૂળ પ્રતિ સુરક્ષાની દૃષ્ટિએ ઉપનિબંધક કાર્યાલયમાં (legal custody) જમા કરાવી શકો છો.

આ. બેંકના લોકરમાં પણ મૂળ મૃત્યુપત્ર રાખી શકો છો.
ઇ. મૂળ મૃત્યુપત્રની છાયાપ્રતિ કાઢી રાખવી, સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય નથી.

– ધારાશાસ્ત્રી રામદાસ કેસરકર, સનાતન સંસ્થાના માનદ કાયદાકીય સલાહકાર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.