તર્પણની પદ્ધતિ

શ્રાદ્ધવિધિ અંતર્ગત તર્પણની પદ્ધતિ

તૃપ્  અર્થાત્ સંતુષ્ટ કરવું.  તૃપ્  ધાતુથી  તર્પણ  શબ્દની ઉત્પત્તિ થઈ છે. દેવ, ઋષિ, પિતર અને માનવોને જલાંજલિ (ઉદક) આપીને તૃપ્ત કરવા, અર્થાત્ તર્પણ કરવું.

ઉદ્દેશ

તર્પણનો હેતુ છે, જેના નામે તર્પણ કરવામાં આવે છે, તે દેવો, પિતર ઇત્યાદિ આપણું કલ્યાણ કરે.

પ્રકાર

બ્રહ્મયજ્ઞાંગ (યજ્ઞ સમયે કરવામાં આવતું), સ્નાનાંગ (નિત્ય સ્નાન ઉપરાંત કરવામાં આવતું), શ્રાદ્ધાંગ (શ્રાદ્ધ દરમ્યાન કરવામાં આવતું) આવા અનેક વિધિઓમાં તર્પણ અંતરભૂત હોય છે અને તે વિશિષ્ટ પ્રસંગ દરમ્યાન કરવાનું હોય છે.

 

તર્પણની પદ્ધતિ

અ. બોધાયને કહ્યું છે,  તર્પણ નદી પર કરવું . નદીમાં નાભિ સુધી પાણીમાં ઊભા રહીને અથવા નદી તીરે બેસીને કરવું.

આ. દેવ અને ઋષિઓને પૂર્વાભિમુખ થઈને, માનવીઓને પશ્ચિમાભિમુખ  થઈને અને પિતરોને દક્ષિણાભિમુખ થઈને તર્પણ કરવાનું હોય છે.

ઇ.  દેવતાઓને તર્પણ સવ્યથી, ઋષિ ઇત્યાદિઓને નિવીતથી અને પિતરોને અપસવ્યથી કરવું , એવું શાસ્ત્ર કહે છે.

ઈ. તર્પણ માટે કુશ અથવા દર્ભની આવશ્યકતા હોય છે. કુશ અથવા દર્ભના અગ્રથી દેવ અને ઋષિનું, મધ્યથી માનવીઓનું અને બે દર્ભને વચ્ચેથી વાળીને પિતરોને તર્પણ કરવું.

ઉ. હાથની આંગળીઓના અગ્રભાગમાં રહેલા દેવીતીર્થ દ્વારા દેવતાઓને, અનામિકા અને ટચલી આંગળીના મૂળથી ઋષિઓને તેમજ તર્જની અને અંગૂઠાના મધ્યાગથી પિતરોને ઉદક આપવું (તર્પણ કરવું).

ઊ. દેવતાઓને પ્રત્યેકને એક, ઋષિઓને બે અને પિતરોને ત્રણ અંજલી તર્પણ આપવી. સ્ત્રીને એક અંજલી આપવી.  ( અંજલી  શબ્દનો મૂળ અર્થ  અંજુલી છે; પણ અહીં  એક અંજલી તર્પણ કરવી , અર્થાત્  એકવાર તર્પણ કરવું . – સંકલક)

 

પિતૃતર્પણ

પિતરોને ઉદ્દેશીને આપવામાં આવતું ઉદક અર્થાત્ પિતૃતર્પણ છે. જીવિત પિતરો માટે પિતૃતર્પણ કરવાનો નિષેધ છે.

 

શા માટે કરવું ?

પિતરો જેવી રીતે વંશજો દ્વારા પિંડની અને બ્રાહ્મણ ભોજનની અપેક્ષા રાખે છે, તેવી જ રીતે ઉદકની પણ રાખે છે.

 

મહત્ત્વ

તર્પણ કરવાથી પિતર કેવળ સંતોષ પામીને જતા રહેવાને બદલે, તર્પણ કરનારાને આયુષ્ય, તેજ, બ્રહ્મવર્ચસ્વ, સંપત્તિ, યશ અને અન્નાદ્ય (આરોગેલા અન્નને પચાવવાનું સામર્થ્ય) પ્રદાન કરીને તૃપ્ત કરે છે.

 

ક્યારે કરવું

અ. દેવ, ઋષિ અને પિતરોને ઉદ્દેશમાં રાખીને નિત્ય (પ્રતિદિન) તર્પણ કરવું. નિત્ય તર્પણ સવારના સ્નાન ઉપરાંત કરવું. પિતરો માટે જો પ્રતિદિન શ્રાદ્ધ કરવાનું ન બને, તો તર્પણ અવશ્ય કરવું.

આ. પાર્વણ શ્રાદ્ધ ઉપરાંત પછીના દિવસે પિતૃતર્પણ કરવું.

 

તલતર્પણ

પિતૃતર્પણમાં દર્ભની સાથે જ તલ લેવા. તલમાં કાળા અને ધોળા, એમ બે પ્રકાર છે. કાળા તલનો શ્રાદ્ધ સમયે ઉપયોગ કરવો. જો તલ ન મળે, તો તેને બદલે સોનું અથવા ચાંદીનો ઉપયોગ કરવો.

અ.  તલમિશ્રિત પાણીથી પિતરોને કરવામાં આવેલા તર્પણને તલતર્પણ કહે છે.

આ. જેટલા પિતરોને ઉદ્દેશીને શ્રાદ્ધ કરવામાં આવ્યું હોય, તેટલાને જ ધ્યાનમાં રાખીને શ્રાદ્ધાંગ તલતર્પણ કરવાનું હોય છે.

ઇ. દર્શશ્રાદ્ધ જો કરવાનું હોય, તો તે પહેલાં અને જો પ્રતિસાંવત્સરિક શ્રાદ્ધ જો હોય, તો પછીના દિવસે તલતર્પણ કરે છે. અન્ય શ્રાદ્ધોમાં તે શ્રાદ્ધવિધિ ઉપરાંત તરત જ કરે છે.

ઈ. નાંદીશ્રાદ્ધ, સપિંડીશ્રાદ્ધ ઇત્યાદિ શ્રાદ્ધોમાં તલતર્પણ કરાતું નથી.

 

તલતર્પણનું  મહત્ત્વ

અ.  પિતરોને તલ પ્રિય છે.

આ. તલના ઉપયોગથી અસુર શ્રાદ્ધવિધિમાં અડચણો લાવતા નથી.

ઇ. શ્રાદ્ધના દિવસે આખા ઘરમાં તલ ભભરાવવા, નિમંત્રિત બ્રાહ્મણોને તલમિશ્રિત જળ આપવું અને તલ દાનમાં આપવા.  – જૈમિનીય ગૃહ્યસૂત્ર (૨.૧), બૌધાયન ધર્મસૂત્ર (૨.૮.૮) અને બૌધાયન ગૃહ્યસૂત્ર.

Leave a Comment