દેવીનું માહાત્‍મ્‍ય !

Article also available in :

અનુક્રમણિકા

દેવીની ઉપાસના કરવાની પરંપરા ભારતમાં ઘણા પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે. દેવીનું મૂળ સ્‍વરૂપ નિર્ગુણ છે તો પણ તેના સગુણ રૂપની ઉપાસના કરવાની પરંપરા ભારતમાં પ્રચલિત છે. કુળદેવી, ગ્રામદેવી, શક્તિપીઠ જેવા સ્‍વરૂપમાં દેવીના વિવિધ સગુણ સ્‍વરૂપની ઉપાસના કરવામાં આવે છે. હિંદુ સંસ્‍કૃતિમાં જેટલું મહત્ત્વ દેવોને છે, એટલું જ દેવીને પણ છે, આનો વિશેષ કરીને અહીં ઉલ્‍લેખ કરવો આવશ્‍યક બને છે. ભારતમાં અન્‍ય સંપ્રદાયો પ્રમાણે જ શાક્ત સંપ્રદાય પણ સક્રિય છે. પંચાયતન પૂજામાં શિવ, વિષ્‍ણુ, ગણપતિ અને સૂર્યની સાથે દેવીના પૂજનનું પણ વિશેષ મહત્ત્વ છે. ઉપાસકોના હૃદયમાં દેવીનું વિશેષ સ્‍થાન હોવાથી જ પ્રતિ વર્ષ નવરાત્રિ-ઉત્‍સવ મોટા ઉત્‍સાહથી સમગ્ર ભારતમાં ઊજવવામાં આવે છે.

 

૧. શાક્ત સંપ્રદાય

ભારતમાં વિવિધ સંપ્રદાયો સક્રિય છે. આ સંપ્રદાયો અનુસાર સંબંધિત દેવી-દેવતાઓની ઉપાસના પ્રચલિત છે. ગણપતિ, શૈવ, વૈષ્‍ણવ, સૌર્ય, દત્ત ઇત્‍યાદિ સંપ્રદાયોની જેમ શાક્ત સંપ્રદાયનું અસ્‍તિત્‍વ પણ ઘણા પ્રાચીન કાળથી ભારતમાં છે. શાક્ત સંપ્રદાયે જણાવ્‍યા પ્રમાણે શક્તિની ઉપાસના કરનારા અનેક શાક્ત ભારતમાં સર્વત્ર જોવા મળે છે.

 

૨. પંચાયતન પૂજામાંના પ્રમુખ દેવતાઓ

આદ્ય શંકરાચાર્યએ પંચાયતન પૂજાની પ્રથાનો ભારતમાં આરંભ કર્યો. તેમાં દેવીનું સ્‍થાન મહત્ત્વનું છે. ભારતમાં જે ઉપાસ્‍ય દેવી-દેવતાઓની ઉપાસના કરવામાં આવે છે, તેવા પાંચ મુખ્‍ય દેવી-દેવતાઓમાંથી એક શક્તિ, એટલે દેવી છે.

 

૩. તંત્રશાસ્‍ત્રની આરાધ્‍ય દેવતા

તંત્રશાસ્‍ત્રનું પાલન કરનારા તાંત્રિકો તંત્રશાસ્‍ત્રના જનક એવા સદાશિવની ભક્તિ કરે છે, તે પ્રમાણે ત્રિપુરસુંદરી, માતંગી, ઉગ્રતારા ઇત્‍યાદિ શક્તિઓની પણ ઉપાસના કરે છે. શિવની જેમ જ શક્તિ પણ તંત્રશાસ્‍ત્રની આરાધ્‍ય દેવી હોવાનું સુસ્‍પષ્‍ટ થાય છે.

 

૪. પુરાણોમાંની કથાઓમાંથી દેવીની
ધ્‍યાનમાં આવેલી વિવિધ ગુણવિશિષ્‍ટતાઓ

અ. જિજ્ઞાસુ અને મુમુક્ષુનાં પ્રતીક સમાન એવા પાર્વતીદેવી

પાર્વતીમાતા એ શિવના અર્ધાંગિની છે, તો પણ શિવજી પાસેથી ગૂઢ જ્ઞાન પ્રાપ્‍ત કરતી વેળાએ પાર્વતીની ભૂમિકા એકાદ જિજ્ઞાસુની જેમ હોવાનું જણાય છે. તીવ્ર જિજ્ઞાસાને કારણે તેમને તરસ-ભૂખ અને નિદ્રા ઇત્‍યાદિનું ભાન રહેતું નથી. જ્ઞાન પ્રાપ્‍ત કરવાની લાલસા થકી તેઓ શિવજીને અનેક પ્રશ્‍નો પૂછે છે. આમાંથી જ પ્રખ્‍યાત એવો શિવ-પાર્વતીનો વાર્તાલાપ અથવા તેમના સંભાષણોનો ઉલ્‍લેખ પુરાણોમાં થયો હોવાનું જણાય છે. પાર્વતી સ્‍વયં આદિશક્તિ છે, તો પણ ગુરુસમાન એવા શિવજી પાસેથી જ્ઞાન સંપાદન કરવા માટે તેઓ જિજ્ઞાસુ અને મુમુક્ષુનું સાક્ષાત સ્‍વરૂપ બને છે. તેથી જ શિવજીએ પાર્વતીને તંત્રશાસ્‍ત્રનું ગૂઢ જ્ઞાન આપ્‍યું.

આ. કઠોર તપશ્‍ચર્યા કરનારાં પાર્વતી
મહાન તપસ્‍વિની હોવાથી તેમને અપર્ણા
અને બ્રહ્મચારિણી નામોથી પણ સંબોધવામાં આવવા

ઋષિ-મુનિઓ જે રીતે કઠોર તપ કરીને ભગવાનને પ્રસન્‍ન કરી લે છે, તેવું જ કઠોર તપ પાર્વતીએ શિવશંકરને રીઝવવા માટે કર્યું હતું. કેવળ વૃક્ષોના પાંદડાઓનું ભક્ષણ કરીને રહેવાથી પાર્વતીને અપર્ણા નામ પ્રાપ્‍ત થયું. પાર્વતી હિમાલયરાજાની પુત્રી અને રાજકુમારી હતાં. તેઓ સુંદર અને સુકોમળ હતાં, તો પણ શિવજીને પ્રસન્‍ન કરવાનો તેમનો દ્રઢ નિશ્‍ચય હોવાને કારણે તેમણે દેહની પરવા કર્યા વિના બરફથી આચ્‍છાદિત થયેલા પ્રદેશમાં વિશેષ મુદ્રા ધારણ કરીને દીર્ઘકાળ સુધી તપ કર્યું. તેમનું તપ એટલું તો ઉગ્ર હતું કે, તેમાંથી નિર્માણ થયેલી જ્‍વાળાઓ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ રહી હતી અને સ્‍વર્ગ પર આધિપત્‍ય મેળવનારા તારકાસુરને પણ ભયભીત કરી મૂકનારી હતી. પાર્વતીના વધ માટે સમીપ આવેલા તારકાસુરના સૈનિકોને તેમની શક્તિ સહન ન થવાથી તેઓ ભસ્‍મીભૂત થયા. નવદુર્ગામાંથી એક એવું બ્રહ્મચારિણી સ્‍વરૂપ એ હાથમાં જપમાળા લઈને તપસ્‍વિનીનો વેશ ધારણ કરેલાં અને તપશ્‍ચર્યામાં લીન એવા પાર્વતીનું જ પ્રતીક છે. પાર્વતીને અપર્ણા અને બ્રહ્મચારિણી આ નામોથી પણ સંબોધવામાં આવે છે.

ઇ. સમસ્‍યાઓ પર જાતે ઉપાય
શોધી કાઢનારાં સ્‍વયંપૂર્ણ પાર્વતીદેવી

કૈલાસ પર્વત પર નિવાસ કરતી વેળાએ સ્‍નાનના સમયે કક્ષનો પહેરો ભરવાની સેવા કરવા માટે પાર્વતીએ અંતઃપ્રેરણા થકી પોતાના મેલમાંથી ગણપતિનું નિર્માણ કર્યું. સુરક્ષાના વ્‍યક્તિગત કારણસર ભલે ગણપતિનું નિર્માણ કર્યું હોય, તો પણ પાર્વતીના કારણે વિશ્‍વને આરાધ્‍યદેવ એવા શ્રી ગણેશ પ્રાપ્‍ત થયા છે, એ ત્રિવાર સત્‍ય છે. દેવી કૌશિકીનું નિર્માણ એવા જ ભાવ થકી થયેલું છે. સમુદ્રમંથનની વેળાએ મંદરાચલ પર્વતે સ્‍વયંમાં શોષી લીધેલા વિષના પ્રભાવમાંથી તેને મુક્ત કરવા માટે શિવ સમેત ગયેલાં પાર્વતીએ તેના પર કરુણાવંત દ્રષ્‍ટિથી કૃપા કરી. ત્‍યારે મંદરાચલમાંથી બહાર પડનારો ઝેરી વાયુ શિવશંકર સ્‍વયં શોષી રહ્યા હતા ત્‍યારે કેટલેક અંશે તેનો પાર્વતી પર પ્રભાવ પડવાથી તેમનો વર્ણ કાળો પડી ગયો.

ઉમાને તેમનો ગૌર વર્ણ ઘણો જ પ્રિય હોવાથી ફરીથી ગૌરવર્ણ પ્રાપ્‍ત કરવા માટે તેમણે બ્રહ્મદેવને પ્રસન્‍ન કરવા માટે કઠોર તપનો આરંભ કર્યો. તેમના તપથી પ્રસન્‍ન થયેલા બ્રહ્મદેવે તેમને ગૌર વર્ણ ફરીથી પ્રદાન કર્યો અને તે જ સમયે તેમના શ્‍યામ વર્ણમાંથી કૌશિકી નામની એક દેવીનું નિર્માણ કર્યું. આ દેવીએ આગળ જતા શુંભ-નિશુંભ નામના રાક્ષસોનો વધ કર્યો. આ ઘટના પરથી પોતાના શ્‍યામ વર્ણનું નિમિત્ત સાધ્‍ય કરીને પાર્વતીએ સમગ્ર વિશ્‍વને રંજાડનારા શુંભ-નિશુંભ રાક્ષસોનો સંહાર કરનારી દેવીનું નિર્માણ કર્યું.

ઈ. અતિ સંવેદનાયુક્ત અને અતિ કઠોર
એવા વિરોધાભાસી ગુણોનું જતન કરનારાં પાર્વતી

શ્રી ગણેશનો શિરચ્‍છેદ થયો હોવાનું જાણ્‍યા પછી પાર્વતી વ્‍યાકુળ થઈને રુદન કરવા લાગે છે અને બીજી જ ક્ષણે નવદુર્ગાનું ઉગ્ર રૂપ ધારણ કરીને દેવોને કઠોર વેણ સંભળાવે છે. ગણેશને હાથીનું મસ્‍તક લગાડ્યા પછી પાર્વતીનુ ઉગ્ર રૂપ શાંત થઈને તે ઉમાનું રૂપ ધારણ કરે છે. દેવી કૌશિકી પર આક્રમણ કરવા માટે આવેલા અસુરોને દંડ દેવા માટે પાર્વતી ચંડી, ચામુંડા, એવાં ઉગ્ર રૂપો ધારણ કરીને અસુરોનો સંહાર કરે છે અને બીજા જ ક્ષણે પુત્રી સમાન એવા કૌશિકીના પ્રેમ ખાતર તેઓ ચિંતાથી વ્‍યાકુળ થાય છે. પાર્વતીમાં અતિ સંવેદનાયુક્ત અને અતિ કઠોર એવા આ વિરોધાભાસી ગુણો એક જ સમયે પ્રબળ હોવાનું જણાય છે.

ઉ. આદિશક્તિનું સ્‍વરૂપ પ્રગટ કરીને સહુને
રંજાડનારા દુર્ગમાસુર અને મહિષાસુર જેવા અસુરોનો સંહાર કરવો

નિત્‍ય તપસ્‍વી જીવન વ્‍યતીત કરનારું સૌમ્‍ય રૂપ ધારણ કરનારાં પાર્વતીદેવીએ પ્રસંગ પડે દેવી-દેવતાઓ અને બ્રહ્માંડનું અનિષ્‍ટ શક્તિઓના રંજાડમાંથી રક્ષણ થઈ શકે, તે માટે ઉગ્ર રૂપ ધારણ કર્યા હોવાનાં અનેક ઉદાહરણો પુરાણમાં મળે છે. બ્રહ્મદેવ પાસેથી અજેય થવા સાથે જ ચારેય વેદ પ્રાપ્‍ત કરનારા દુર્ગમાસુરને કારણે ધર્મની અવદશા થવા પામી હતી અને સર્વત્ર અધર્મનું જોર વધ્‍યું હતું. એવી પરિસ્‍થિતિમાં દેવી-દેવતાઓનું બળ ક્ષીણ થયું હતું. ત્‍યારે દુર્ગમાસુરને કેવળ સ્‍ત્રી શક્તિ જ નષ્‍ટ કરી શકે તેમ હતું; કારણકે અન્‍ય દેવતાઓ દ્વારા અવધ્‍યનું વરદાન દુર્ગમાસુરને પ્રાપ્‍ત થયું હતું. ત્‍યારે પાર્વતીએ આદિશક્તિનું સ્‍વરૂપ પ્રગટ કરીને શ્રી દુર્ગાદેવીનું રૂપ ધારણ કર્યું અને દુર્ગમાસુર સાથે ઘનઘોર યુદ્ધ કરીને તેનો વધ કર્યો.

આ જ રીતે અપરાજિત યોદ્ધા અને બળશાળી અનિષ્‍ટ શક્તિઓથી યુક્ત એવા મહિષાસુરનો વધ કરવા માટે પાર્વતી, લક્ષ્મી અને સરસ્‍વતી એમ ત્રણેય દેવીઓની શક્તિ એકઠી થઈને તેમાંથી મહિષાસુરમર્દિની દેવીનું નિર્માણ થયું. માયાવી શક્તિની સહાયતાથી યુદ્ધ કરનારા મહિષાસુરને પરાજિત કરીને દેવીએ તેનો શિરચ્‍છેદ કર્યો. તેવી જ રીતે પાર્વતીએ ચામુંડા રૂપ ધારણ કરીને ચંડ-મુંડ નામક રાક્ષસોનો સંહાર કર્યો અને કાળીનું રૂપ ધારણ કરીને અસંખ્‍ય અસુરોનો વધ કરીને દેવતાઓને અભયદાન આપ્‍યું.

ઊ. કરુણામય દેવીએ પૃથ્‍વી પરના જીવો
માટે શતાક્ષી અને શાકંભરી રૂપ ધારણ કરીને કૃપા કરવી

દુર્ગમાસુરે વેદોને પાતાળમાં લઈ જઈને બંદીવાન બનાવવાથી ધર્મનો લોપ થયો. યજ્ઞયાગ અને ઉપાસના ખંડિત થવાથી દેવોને તેઓનો હવિર્ભાગ મળવાનું બંધ થયું. તેથી દેવોની શક્તિ ક્ષીણ થઈ. દેવોનો પૃથ્‍વી પર થનારો કૃપાનો વર્ષાવ થોભી જવાથી ભીષણ દુકાળ પડ્યો. નદીઓ, ઝરણા તેમજ નદી-તળાવ પરથી પાણી ભરવાની જગ્‍યાઓ સુકાઈ ગયા. ત્‍યારે પૃથ્‍વી ઉપરની મૃતપ્રાય સ્‍થિતિનો સામનો કરનારા જીવોની દુર્દશા જોઈને મહિષાસુરમર્દિની માતાની આંખો અશ્રુભીની થઈ અને તેમાંથી શતાક્ષી દેવીનું નિર્માણ થયું. શત લોચન ધરાવતી આ દેવીની આંખોમાંથી વહેનારી અશ્રુધારાઓ પૃથ્‍વી પર આવી અને તેમણે નદીઓનું રૂપ ધારણ કર્યું. આવી રીતે સર્વત્ર પાણી ઉપલબ્‍ધ થયું. પછી દેવીના અંશમાંથી શાકંભરીદેવીનું નિર્માણ થયું, જેણે તેમની કૃપાથી પૃથ્‍વી પર સર્વત્ર શાક, અર્થાત લીલા શાકભાજી અને ફળશાકભાજી નિર્માણ કર્યાં. આવી રીતે પૃથ્‍વી પરના જીવો માટે પાણી અને શાકભાજી ઉપલબ્‍ધ થવા પામીને પૃથ્‍વી પરના દુકાળના સંકટનું નિવારણ થયું.

 

૫. માતા સરસ્‍વતીએ દેવોને સહાયતા કરવી

અ. બ્રહ્મદેવ પાસેથી વરદાન મેળવતી વેળા કુંભકર્ણ ઇન્‍દ્રાસન માગવાનો હતો; પરંતુ દેવતાઓની પ્રાર્થનાને કારણે મહાસરસ્‍વતી કુંભકર્ણના જીભ પર બિરાજમાન થયાં હતાં. તેથી કુંભકર્ણએ ઇન્‍દ્રાસનને બદલે નિદ્રાસનનું વરદાન માગી લીધું.

આ. તારકસુરના ત્રણ તારક પુત્રોનો પરાભવ કેવી રીતે કરવો ?, એવો પ્રશ્‍ન સર્વ દેવોને થવાને કારણે શ્રીહરિ વિષ્‍ણુએ તેઓને ધર્મવિમુખ થવા માટે પ્રવૃત્ત કરવાનો ઉપાય કહ્યો. ધર્મવિમુખ કરવાનો ઉપાય કેવી રીતે સાધ્‍ય કરવો ?, એનું માર્ગદર્શન માતા સરસ્‍વતીએ નારદજીને આપીને દેવોની સહાયતા કરી.

 

૬. માતા લક્ષ્મીએ દેવોને સહાયતા કરવી

શિવજીના અંશમાંથી અને સમુદ્રમાંથી નીપજેલો જાલંધર નામનો રાક્ષસ દેવતાઓને રંજાડવા લાગ્‍યો. લક્ષ્મીજીનો જન્‍મ પણ સમુદ્રમંથનમાંથી થયો હોવાને કારણે સગપણમાં જાલંધર લક્ષ્મીદેવીનો લઘુબંધુ જ થતો હતો; પરંતુ તે દેવતાઓને ત્રાસ આપતો હોવાથી તેમજ તેના મનમાં પાર્વતીદેવી વિશે કામવાસનાના અધર્મી વિચાર હોવાથી તેનો નાશ થાય એવી ઇચ્‍છા લક્ષ્મીજીએ શ્રીહરિ વિષ્‍ણુ પાસે વ્‍યક્ત કરી. આ બાબત પરથી લક્ષ્મીદેવી તત્ત્વનિષ્‍ઠ છે અને તેમણે અધર્મથી વર્તન કરનારા પોતાના ભાઈનો બચાવ કરવાને બદલે દેવોના પક્ષમાં નિર્ણય આપ્‍યો અને પોતાનું ધર્મકર્તવ્‍ય ચૂકતું કરીને એક આદર્શ ઉદાહરણ વિશ્‍વ સમક્ષ પ્રસ્‍તુત કર્યું.

 

૭. દુર્ગામાતાએ દેવી-દેવતાઓને કરેલી સહાયતા

ત્રેતાયુગમાં શ્રીરામે નવરાત્રિના સમયગાળામાં દેવીની ઉપાસના કરી અને દેવીના કૃપા-આશીર્વાદ થકી જ વિજયાદશમીના દિવસે રાવણનો વધ કર્યો. દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્‍ણ ભગવાનની પ્રેરણા થકી અર્જુને મહાભારત યુદ્ધનો આરંભ કરતા પહેલા શ્રીદુર્ગાદેવીના શરણ જઈને પ્રાર્થના કરી. શ્રી દુર્ગાદેવીએ પ્રસન્‍ન થઈને અર્જુનને વિજયી થવાનો આશીર્વાદ આપ્‍યો. શ્રી દુર્ગાદેવીની કૃપાનું કવચ ધારણ કરીને જ અર્જુને મહાભારતનું યુદ્ધ કરીને તેમાં વિજય પ્રાપ્‍ત કર્યો.

દેવી સાથે સંબંધિત ઋષિગણ તથા રાજાઓ : ત્‍વષ્‍ટા ઋષિ, માર્કંડેય ઋષિ એ દેવીની ઉપાસના કરનારા ઋષિઓ હતા, જ્‍યારે ભક્ત સુદર્શન એ શક્તિની ઉપાસના કરનારો રાજા હતો. સર્વસામાન્‍ય જનતામાંથી ત્ર્યંબકરાજ, નવીનચંદ્ર આદિ દેવીના પરમ ભક્ત હતા. (સંદર્ભ : ભક્તમાલ)

 

૮. દેવીઓની કોડીઓ વિશે માહિતી મળવી

સદ્‌ગુરુ ગાડગીળકાકીએ પૂજારીઓ પાસે દેવીની કોડીઓ વિશે પૂછપરછ કરી. ત્‍યારે અમને સમજાયું કે, ‘તુળજાભવાની દેવીની કોડીઓને ‘અંબિકા કોડી’ એમ કહેવાય છે. તે કોડીઓ ધોળા રંગની હોય છે. માહુરગઢ પર બિરાજમાન શ્રી રેણુકા દેવીની કોડીઓ પર ટપકાં હોય છે. તે કોડીઓને ‘રેણુકા કોડી’ એમ કહેવાય છે, જ્‍યારે કોલ્‍હાપુર સ્‍થિત મહાલક્ષ્મી દેવીની કોડીઓને ‘કરડી (કાળા-ધોળા મિશ્ર રંગની) કોડીઓ’ એમ કહેવાય છે’. એ ભૂખરા રંગની હોય છે. દેવીએ અમને કોડીના માધ્‍યમ દ્વારા આ જ્ઞાન પણ આપ્‍યું.

 

૯. કળિયુગમાં વિવિધ સંતોએ કરેલી દેવીની ઉપાસના

૯ અ. આદ્ય શંકરાચાર્યએ કરેલી દેવીની ઉપાસના

આદ્ય શંકરાચાર્યએ ત્રિપુરસુંદરીદેવીની ઉપાસના કરી હતી, તેમજ તેમના પર મુકાંબિકાદેવી અને સરસ્‍વતીદેવીની પૂર્ણ કૃપા હતી. તેમણે ઉંમરના ત્રીજા વર્ષે દેવી ભુજંગસ્‍તોત્રની રચના કરીને દેવીનું વિવિધ રીતે વર્ણન કર્યું. તેમણે બ્રહ્મસૂત્રો વિશે પુષ્‍કળ લેખનકાર્ય કરીને દેવીની ઉપાસના પર આધારિત એવા સૌંદર્યલહેરો નામના  ગ્રંથની રચના કરી. કાશ્‍મીર સ્‍થિત શારદાપીઠ પર બિરાજમાન થવાનો આદેશ માતા સરસ્‍વતીએ આદ્ય શંકરાચાર્યને આપ્‍યો હતો. સંપૂર્ણ ભારતભ્રમણ કરતી સમયે આદ્ય શંકરાચાર્યની ક્ષુધા શમન અન્‍નપૂર્ણાદેવી કરતાં હતાં. એવી રીતે આદ્ય શંકરાચાર્ય પર દેવીની પુષ્‍કળ (અમર્યાદ) કૃપા હોવાનાં ઉદાહરણો તેમના ચરિત્રમાંથી મળે છે.

૯ આ. શત્રુના સકંચામાંથી સુરક્ષિત
રીતે બહાર નીકળી શકાય, તે માટે છત્રપતિ
શિવાજી મહારાજે શ્રી બગલામુખી દેવીનો યજ્ઞ કરવો

તુળજાપુરના શ્રી ભવાનીદેવી હિંદવી સ્‍વરાજ્‍યના સંસ્‍થાપક છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી હતા. જય ભવાની અને હર હર મહાદેવ એવી ઘોષણા કરતા રહીને છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના માવળાઓ શત્રુ સાથે યુદ્ધ કરતા હતા. શત્રુ સાથે લડવા માટેજ શ્રી ભવાની માતાએ પ્રસન્‍ન થઈને શિવાજી મહારાજને ભવાની તલવાર પ્રદાન કરી હતી. એ જ તલવારના બળ પર તેમણે શાહિસ્‍તેખાનની આંગળીઓ વાઢી નાખી હતી અને અનેક શત્રુઓને મરાઠી તલવારનું પાણી પીવડાવ્‍યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ જીર્ણ થયેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરતા અને મંદિરોની યોગ્‍ય વહીવટી વ્‍યવસ્‍થા માટે ભંડોળ ફાળવી આપતા હતા. દેવોની ઉપાસના અંતર્ગત તેમણે વિવિધ સમયે વિવિધ પ્રકારના યજ્ઞયાગ પણ કર્યા હતા. મિર્ઝા રાજે જયસિંગે શિવાજી મહારાજને પરાજીત કરીને તેમને બંદીવાન બનાવવા માટે સહસ્ર ચંડીયાગ કર્યા. શિવાજી રાજાને બંદીવાન કરવા માટે એટલું તો પુણ્‍ય પોતાને પ્રાપ્‍ત થાય, એવો હેતુ આ બાબત પાછળ હતો.

બહિર્જી નાઈક નામના ગુપ્‍તચર પ્રમુખ દ્વારા આ માહિતી મળ્‍યા પછી તેના પર ઉપાય  કરવા માટે છત્રપતિએ તરત જ શ્રી બગલામુખીદેવીનો યાગ કર્યો. ત્‍યાર પછી શિવાજી મહારાજ અને મીર્ઝા રાજા બન્‍ને રૂબરૂ મળ્‍યા અને તેમની વચ્‍ચે સુલેહ થયો. ઔરંગઝેબને મળવા ગયા પછી ઔરંગઝેબે શિવાજી મહારાજની ફસામણી કરીને તેમને આગ્રા ખાતે બંદીવાન બનાવ્‍યા. ત્‍યાર પછી  શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ ફળફળાદી અને મીઠાઈની પેટીમાં છુપાઈને કિલ્‍લાની બહાર નીકળ્‍યા અને શત્રુના સકંચામાંથી છટકી ગયા. શ્રી બગલામુખીદેવીની કૃપાથી છત્રપતિનો કારાગૃહમાંથી સુરક્ષિત રીતે છુટકારો થઈ શક્યો. (આ કથા સનાતનના સંત પૂજ્‍ય વિનય ભાવેએ કહી છે.)

૯ ઇ. સનાતન સંસ્‍થાએ કાળ
અનુસાર આવશ્‍યક એવી કહેલી શક્તિ ઉપાસના

સનાતન સંસ્‍થા પણ કાળ અનુસાર આવશ્‍યક એવી દેવી ઉપાસના કરવા માટે શીખવે છે. અહીં શ્રી દુર્ગાદેવીનો નામજપ કરવા માટે કહેવામાં આવે છે. ઉપાસના કરતી વેળાએ શ્રી દુર્ગાદેવી અને શ્રી લક્ષ્મીદેવીના તૈયાર કરવામાં આવેલાં સાત્‍વિક ચિત્રો અને નામપટ્ટીઓનો  ઉપયોગ કરવા માટે કહેવામાં આવે છે. દેવીતત્ત્વથી યુક્ત એવું કંકુ પણ સનાતનના સાત્ત્વિક ઉત્‍પાદનોમાં ઉપલબ્‍ધ કરવામાં આવ્‍યું છે. દેવીતત્ત્વની અધિક જાણકારી મળી રહે તે માટે દેવીની ઉપાસના સાથે સંબંધિત એવો ‘શક્તિ’ ગ્રંથ પણ ઉપલબ્‍ધ છે. કાળ અનુસાર આવશ્‍યક હોય એવી શ્રી દુર્ગાદેવીની મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે.

૯ ઈ. પ.પૂ. ડૉક્‍ટરજીએ કાળ અનુસાર દેવીની ઉપાસના કરવી

પ.પૂ. ડૉક્‍ટરજીના કક્ષના પૂજાઘરમાં એક મહાન સંત દ્વારા આપવામાં આવેલું દેવીનું શ્રીયંત્ર અને મહર્ષિએ મોકલાવેલું શ્રી વારાહીદેવીનું ચિત્ર સ્‍થાપન કરવામાં આવ્‍યું છે. પ.પૂ. ડૉક્‍ટરજી તેમનું નિયમિત રીતે પૂજન કરે છે.

૯ ઉ. સંત અને મહર્ષિએ કહેલી શક્તિ ઉપાસના

સનાતનના રામનાથી આશ્રમના ધ્‍યાનમંદિરમાં શ્રી ભવાનીદેવીની પાષાણની પ્રમાણસર મૂર્તિની સ્‍થાપના કરવામાં આવી છે. એક સંત દ્વારા મોકલવામાં આવેલી પંચધાતુની સિંહવાહિની શ્રી દુર્ગાદેવીની મૂર્તિ અને દેવીના યંત્રોની સ્‍થાપના ધ્‍યાનમંદિરમાં કરવામાં આવી છે અને તેમનું નિયમિત રીતે પૂજન કરવામાં આવે છે. શ્રી બગલામુખીદેવીની પ્રતિમાની આશ્રમના પ્રવેશદ્વાર પર સ્‍થાપના કરવામાં આવી છે અને મહર્ષિના કહેવા પ્રમાણે આશ્રમમાં અત્‍યાર સુધી ત્રણ વાર શ્રી બગલામુખી યાગ કરવામાં આવ્યો છે.

કુ. મધુરા ભોસલે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૬.૯.૨૦૧૬)

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment